વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13-14 જુલાઇના રોજ ફ્રાન્સના પ્રવાસે છે. આ દરમિયાન પીએમ મોદી ફ્રાન્સની રાષ્ટ્રીય પરેડમાં ‘ગેસ્ટ ઑફ ઑનર’ રહેશે. પરંતુ, આ પ્રવાસને ભારતીય દરિયાકાંઠાની સુરક્ષાને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. કેન્દ્ર સરકારે નૌસેના માટે ફાઇટર પ્લેન રફાલના ‘એમ’ વર્ઝનને ખરીદવાની સંપૂર્ણ તૈયારી કરી છે.
સૂત્રોનુસાર ભારત 26 રફાલ એમ ખરીદશે. આ વિમાન કુલ 5.5 અબજ ડૉલર (45 હજાર કરોડ રૂ.)માં મળશે. મોદીના ફ્રાન્સ પ્રવાસ દરમિયાન ફ્રાન્સની એરક્રાફ્ટ કંપની દસૉલ્ટ એવિયેશનની સાથે રફાલ એમની ડીલ પર હસ્તાક્ષર થઇ શકે છે. આ વિમાનને સમુદ્રી વિસ્તારમાં હવાઇ હુમલા માટે વિશેષ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેને સૌથી પહેલાં સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત પર તહેનાત કરવામાં આવશે. અત્યારે INS વિક્રાંત પર રશિયન મિગ-29 તહેનાત છે, જેને ધીરે ધીરે સેવામાંથી બહાર કરાઇ રહ્યા છે. વડાપ્રધાનના ફ્રાન્સ પ્રવાસ પહેલાં ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ કાઉન્સિલ ડીલને ઔપચારિક મંજૂરી આપવા માટે બેઠક કરશે.
અમેરિકન ‘એફ-એ-18 સુપર હોર્નેટ’ના સ્થાને રફાલ ‘એમ’ની પસંદગી કરી : કેન્દ્ર સરકાર છેલ્લાં 4 વર્ષથી આઇએનએસ વિક્રાંત માટે નવા ફાઇટર જેટને ખરીદવાની યોજના પર કામ કરી રહી હતી. બે વર્ષ પહેલાં અમેરિકન બોઇંગ ‘એફ-એ-18 સુપર હોર્નેટ’ અને ફ્રાન્સના રફાલ ‘એમ’માંથી કોઇ એકની પસંદગીની પ્રક્રિયા શરૂ કરાઇ હતી. બંને ફાઇટર જેટ્સની ખાસિયતને લઇને વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. ભારતીય રક્ષા નિષ્ણાતોએ રફાલ એમને જરૂરિયાત મુજબ ફિટ ગણાવ્યું હતું, જ્યારે બોઇંગ એફ-એ-18ને લઇને ભારતીય નિષ્ણાતો એકમત ન હતા. નૌસેનાએ ગત વર્ષે ગોવામાં સુપર હોર્નેટ અને રફાલ એમનું પરીક્ષણ કર્યું હતું.