ભણવા માટે યુરોપ જતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ફ્રાન્સ મોટું ડેસ્ટિનેશન બનવા જઈ રહ્યું છે. ફ્રાન્સે આગામી 2025 સુધી દર વર્ષે 20 હજાર ભારતીય વિદ્યાર્થીઓને આમંત્રિત કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 13 જુલાઈથી શરૂ થનારા ફ્રાન્સના પ્રસ્તાવિત પ્રવાસમાં સંરક્ષણ, વેપાર, ઊર્જા તથા શિક્ષણ સહિતના મુદ્દે મહત્ત્વની સમજૂતી થઈ શકે છે.
ફ્રાન્સના વિદેશ પ્રધાન કેથેરીન કોલોન્નાએ જણાવ્યું હતું કે કોરોનાકાળમાં ફ્રાન્સ આવતા ભારતીય વિદ્યાર્થી ઘટ્યા હતા પણ કોરોનાકાળ પછી આ સંખ્યા વધી. ગત શૈક્ષણિક સત્રથી 10 હજાર ભારતીય વિદ્યાર્થી ફ્રાન્સ આવે છે. 2025 સુધી દર વર્ષે 20 હજારથી વધુ ભારતીય વિદ્યાર્થી ફ્રાન્સમાં ભણવા માટે આવશે.
ભારતના 12 શહેરોમાં કેમ્પસ ફ્રાન્સ દ્વારા યુવાનોનું કાઉન્સેલિંગ
ફ્રાન્સમાં 2021-22માં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 6 હજાર હતી. ફ્રાન્સે 12 શહેર અમદાવાદ, બેંગલુરુ, ભોપાલ, ચંડીગઢ, દિલ્હી, જયપુર, કોલકાતા, મુંબઈ અને પૂણેમાં ‘કેમ્પસ ફ્રાન્સ’ દ્વારા કાઉન્સિલિંગ વધાર્યું છે. આ ઉપરાંત ફ્રાન્સમાં ભણવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા 14 નિષ્ણાતની પણ નિમણૂક કરી છે.
500 ભારતીયોને રૂ. 15 કરોડની રમન-ચારપાક સ્કૉલરશિપ
ભારતમાં ફ્રાન્સના દૂતાવાસ દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને રમન-ચારપાક સ્કૉલરશિપ હેઠળ ગત વર્ષે 500 વિદ્યાર્થીને રૂ. 15 કરોડ મળ્યા હતા. આઈટીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન માટે 12થી 36 મહિના અને પીએચડીના 10 મહિના માટે ફંડ અપાય છે.