રાજ્યના 10 શહેરોમાં સોમવારે તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થયો હતો ત્યારે હીટવેવની ચેતવણી આપી લોકોને સાવચેત રહેવા પણ જણાવવામાં આવ્યું છે. હીટવેવને હળવાશથી લેવાની જરૂર નથી કારણ કે ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં હીટવેવના કારણે 290 લોકોના મૃત્યુ થયા છે. જેમાં 239 પુરૂષ છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના 2011થી 2021 સુધીના એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટના સંકલિત આંકડામાં આ ખુલાસો થયો છે.
2015માં સૌથી વધારે 52 મૃત્યુ થયા હતા જ્યારે 2014માં 45 મૃત્યુ થયા હતા. લોકસભામાં સરકારે માહિતી આપી હતી કે 2022માં ગુજરાતમાં હીટવેવનું પ્રમાણ સરેરાશ આઠ દિવસ હતું. 2021માં એક પણ દિવસ હીટવેવની અસર નહોતી જ્યારે 2019માં સરેરાશ 4 દિવસ હીટવેવની અસર હતી. રાજ્યમાં 8 સ્ટેશન પર હીટવેવનું પ્રમાણ નોંધવામાં આવે છે.