ઉત્તર ગુજરાતના ગામડાઓમાં આવેલી સરકારી શાળાઓમાં જર્જરિત ઓરડાઓની જગ્યાએ નવા બનાવવાની ઝડપ ધીમી હોવાથી વિદ્યાર્થીઓ, મંદિર, ધર્મશાળા, પંચાયત અને ખુલ્લા મેદાનમાં બેસીને ભણવા મજબૂર છે. શિક્ષકોની ઘટ પછી આ સૌથી મોટી સમસ્યા છે. ઉ. ગુ.ના મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી અને પાટણ જિલ્લામાં મંજૂર ઓરડામાંથી માંડ અડધા જ બન્યા છે. મહેસાણા જિલ્લામાં 992 પ્રા.શાળામાં બે વર્ષમાં 1332 ઓરડા મંજૂર થયાં છે.
બનાસકાંઠાના વાવ તાલુકામાં 100 રૂમોની ઘટ છે. 2017ના પૂર વખતે સરકારી પ્રા.શાળાઓના રૂમો ડેમેજ થયા હતા. જે 7 વર્ષેય બન્યા નથી. દેવપુરા પ્રા. શાળાના 117 બાળકો ખુલ્લામાં બેસીને અભ્યાસ કરે છે. માડકા, માઇયેશ્વર પ્રા. શાળાના 50 બાળકો મંદિરના પતરાના શેડમાં ભણે છે. એટા આનંદ પ્રકાશના બાળકો પંચાયત હોલના રૂમમાં તો ઉચપા શ્રીજીનગર પ્રા. શાળાના 54 બાળકો ખુલ્લામાં બેસે છે.