મોંઘવારીનો માર સહન કરી રહેલા બ્રિટનના લોકો પોતાની દિનચર્યામાં ખર્ચને અંકુશમાં રાખવા માટે નવા ઉપાયો શોધી રહ્યા છે. જેમાં ફોર ડે વીક અર્થાત્ ‘સપ્તાહમાં માત્ર ચાર જ દિવસ ઓફિસ’ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. થિન્કટેન્ક ઓટોનોમીના રિસર્ચ અનુસાર સપ્તાહમાં ચાર દિવસ કામથી પ્રોડક્ટિવિટી વધવા ઉપરાંત માતાપિતા પોતાનાં બાળકોની વધુ સારસંભાળ રાખી શકશે.
તદુપરાંત, વધુ એક દિવસની રજાથી અવરજવરનો ખર્ચ પણ મોટા પાયે બચશે. રિસર્ચમાં દાવો કરાયો છે કે બે વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોની દેખરેખ માટે એક વ્યક્તિ વાર્ષિક સરેરાશ 1.30 લાખ રૂપિયાની બચત કરી શકે છે. તદુપરાંત ફોર ડે વીકને કારણે ટ્રાવેલિંગના ખર્ચમાં પણ વાર્ષિક 30 હજારની બચત શક્ય બને છે.
ફોર ડે વીકના પક્ષમાં અભિપ્રાય આપનાર કેમ્પેનર્સ અને અર્થશાસ્ત્રીઓએ રજાઓના સમયમાં વધારો તેમજ પ્રોડક્ટિવિટીમાં સુધારા અંગે ચર્ચા શરૂ કરી છે. કેમ્પેનર્સ કહેવા માંગે છે કે કંપનીઓ ઓછા સમયમાં એટલું જ કામ લઇ શકે તો ફોર ડે વીકનું પ્લાનિંગ સંભવ છે.