ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના વૈજ્ઞાનિકોએ સોમવારે ચંદ્રયાન-3ની બીજી ભ્રમણકક્ષા વધારવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી. હવે અવકાશયાન 41603 Km x 226 Km ભ્રમણકક્ષામાં છે. આનો અર્થ એ થયો કે ચંદ્રયાન-3 હવે એવી લંબગોળ ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું છે કે પૃથ્વીની સૌથી નજીક 226 કિમી અને સૌથી દૂર 41,603 કિમી છે. અવકાશયાનની સ્થિતિ પણ સામાન્ય છે.
ભ્રમણકક્ષા વધારવા માટે આગામી ફાયરિંગ મંગળવારે બપોરે 2થી 3 વાગ્યાની વચ્ચે આયોજન કરવામાં આવ્યું છે. આ પછી, પૃથ્વીની ભ્રમણકક્ષામાં વધુ બે વાર ફાયરિંગ કરવામાં આવશે. અવકાશયાન 31 જુલાઈ અને 1 ઓગસ્ટની વચ્ચેની રાત્રે પૃથ્વીની ભ્રમણકક્ષા છોડીને ચંદ્ર તરફ પ્રયાણ કરશે. 5મીએ ચંદ્રનું ગુરુત્વાકર્ષણ અવકાશયાનને પકડી લેશે. તે 23મીએ ચંદ્ર પર ઉતરશે.
ચંદ્રયાન-3માં લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલ છે. લેન્ડર અને રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે અને ત્યાં 14 દિવસ સુધી પ્રયોગો કરશે. પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રની ભ્રમણકક્ષામાં રહીને પૃથ્વી પરથી આવતા રેડિયેશનનો અભ્યાસ કરશે. મિશન દ્વારા ISRO ચંદ્રની સપાટી પર ભૂકંપ કેવી રીતે આવે છે તે શોધી કાઢશે. તે ચંદ્રની જમીનનો પણ અભ્યાસ કરશે.