આજથી IPL 2023નો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રારંભ થવા જઈ રહ્યો છે. સૌપ્રથમ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપરકિંગ્સ વચ્ચે ઓપનિંગ મેચ યોજાવવાની છે. આજની મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે, જેથી 1.15 લાખ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું જોવા મળશે. બપોરે 3:30 વાગ્યાથી લોકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. બોલિવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયા, કેટરીના કૈફ અને સિંગર અરિજિતસિંહ ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મન્સ કરશે. આજે ઓપનિંગ સેરેમની દરમિયાન 1500 જેટલા ડ્રોન મારફતે આઇપીએલ 2023ના કપની કૃતિ આકાશમાં બનાવવામાં આવશે.
ટિકિટની કાળા બજારીને રોકવા ખાસ જાહેરનામું
IPL મેચની ટિકિટોની કાળા બજારી થતી હોય છે. મેચના ટિકિટોનું વેચાણ શરૂ થાય ત્યારે કેટલાક તત્વો એક સાથે મોટી સંખ્યામાં ટિકિટો ખરીદી લે છે અને ત્યારબાદ તેને ઊંચા ભાવે વેચાણ કરતા હોય છે. અમદાવાદમાં IPL મેચની કાળા બજારીને રોકવા માટે થઈ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જે પણ વ્યક્તિ IPL મેચની ટિકિટો ભાવ કરતાં વધુ કિંમતે વેચાણ કરતા મળી આવશે તો તેની સામે ગુજરાત પોલીસ એક્ટ 1951ની કલમ 131 કાર્યવાહી કરવામાં આવશે. આ જાહેરનામું આજથી 16 મે 2023 સુધી લાગુ રહેશે.