Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ચોમાસું આવે એટલે વિવિધ પાણીજન્ય રોગ તેમજ અન્ય પ્રકારના રોગચાળા ફેલાય છે. તે પૈકી કંજંક્ટિવાઇટિસ એટલે કે વાઈરસજન્ય આંખનો રોગ પણ થાય છે. જેમાં દર્દીની આંખો સોજી જાય છે અને સતત દુખાવો રહે છે. ધ્યાન ન આપવામાં આવે તો કીકીમાં પણ સોજો આવી જાય છે. રાજ્યમાં હાલ સુરત, ભાવનગર અને અમદાવાદમાં કેસ જોવા મળ્યા છે જ્યારે રાજકોટમાં સોમવારથી કેસમાં વધારો જોવા મળ્યો છે.


સિવિલ હોસ્પિટલના આંખ વિભાગમાંથી મળતી માહિતી મુજબ ગત સપ્તાહ સુધી દૈનિક 7થી 8 કેસ આવતા હતા જોકે સોમવારે પ્રથમ દિવસે જ 30 કેસ આવ્યા છે અને ધીરે ધીરે સંખ્યા વધી રહી છે. જ્યારે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ જણાવ્યું છે કે, આરોગ્ય કેન્દ્રોમાં છૂટા છવાયા કેસ આવી રહ્યા છે.

સિવિલમાં રોજના 400 કેસ આવી શકે છે
‘ચાલુ સપ્તાહથી કંજંક્ટિવાઇટિસના કેસમાં વધારો થયો છે. દર ચોમાસે આવી સ્થિતિ સર્જાતી હોય છે અને દૈનિક 400 કેસ સુધી પહોંચે છે. આ કારણે અત્યારે તો શરૂઆત ગણાવી શકાય. આ રોગને ફેલાતો અટકાવવો હોય તો મુખ્ય 3 બાબત ધ્યાનમાં રાખવી જોઈએ. આંખોને હાથ અડાડવા નહિ, આંખો મસળવી નહિ તેનાથી હાથમાંથી ચેપ આંખો સુધી પહોંચી શકે છે. કોઇને રોગ થયો હોય તો તેમણે વાપરેલી કોઇપણ વસ્તુ અડવી જોઇએ નહિ. વાઈરસના વાહનમાં માખીની પણ ભૂમિકા હોય છે તેથી માખી ન થાય તેવી સ્વચ્છતા રાખવી જોઈએ. જે લોકોમાં ઈન્ફેક્શનની અસર છે તેમણે અન્યોથી દૂર રહેવું જોઈએ. સારવાર માટે શરૂઆતમાં એન્ટિબાયોટિક અપાય છે અને બાદમાં રોગની કેવી અસર છે તેને આધારે અન્ય દવા અને ટીપાંનો ઉપયોગ થાય છે.’ ડો. કમલ ડોડિયા, આંખના રોગના નિષ્ણાત, સિવિલ હોસ્પિટલ રાજકોટ