તાજેતરમાં જ એમ.પી., યુ.પી.ની ટોળકીને બીએસએનલ એલોટમેન્ટના ત્રણ લેટર સહિતના બનાવટી દસ્તાવેજો સાથે મોરબી જિલ્લા પોલીસે ઝડપી લીધી છે. જે સમાચાર પ્રસિદ્ધ થયા બાદ રાજકોટના તબીબે પોતાની સાથે પણ બીએસએનએલના નામે છેતરપિંડી થઇ હોય માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે સંગમ સોસાયટીમાં રહેતા ડો.દિલીપભાઇ કાનજીભાઇ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમને તા.5-8-2019ના રોજ લેન્ડ લાઇન પર ફોન આવ્યો હતો. તે વ્યક્તિએ બીએસએનએલના પ્રિન્સિપાલ જનરલ મેનેજર એ.કે.ઉપાધ્યાય હોવાની ઓળખ આપી હતી. અને તેને જણાવ્યું કે, બીએસએનએલના કર્મચારીના વેલ્ફર માટે એક સ્કીમ લોંચ કરવામાં આવી છે. જેના માટે અમારી ઓફિસની નજીકની હોસ્પિટલ સાથે જોડાણ કરવાનું છે. તમને ટેન્ડરની વિગતો મોકલી આપવાની વાત કરી હતી. જે ટેન્ડર જોયા બાદ તેમની શરતો યોગ્ય લાગતા બીજા દિવસે ફરી ફોન આવ્યો હતો અને પોતે ઇચ્છા વ્યક્ત કરી હતી.
બાદમાં તેને ઘણી વાતો કરી પોતાને વિશ્વાસમાં લીધા બાદ તમારે કંપનીમાં રૂ.10 લાખ જમા કરાવવા પડશે. જેની તમને રસીદ પણ આપવામાં આવશેનું કહ્યું હતું. દરમિયાન તા.19-8-2019ના રોજ સાંજે એક વ્યક્તિ ઓફિસ આવ્યો હતો અને તેને રૂ.10 લાખ આપી તેને એલોટમેન્ટ ઓર્ડરની કોપી આપી હતી અને કહ્યું કે, અમારી ટીમ હોસ્પિટલની વિઝિટ કરવા આવશે. પરંતુ બીજા દિવસે કોઇ વિઝિટમાં નહિ આવતા બીએસએનએલની કચેરીએ જઇ તપાસ કરતા તેમના દ્વારા આવી કોઇ ટેન્ડર પ્રક્રિયા ચાલતી ન હોવાનું જાણવા મળ્યું હતું. આમ પોતાની સાથે ચીટર ટોળકીએ કળા કરી હોવાનું માલૂમ પડ્યું હતું.