ફિજીના નાંદીમાં બુધવારથી 12મા વિશ્વ હિન્દી સંમેલનનું આયોજન થવા જઈ રહ્યું છે. આ સંમેલન પહેલા ફિજીના નાયબ વડાપ્રધાન બિમન ચંદ પ્રસાદે ફિજીની સંસદની એક ભાષા તરીકે હિન્દીને માન્યતા આપવાની જાહેરાત કરીને હિન્દી પ્રેમીઓમાં ઉત્સાહ વધારી દીધો છે. હવે ફિજીની સંસદમાં અંગ્રેજીની સાથે હિન્દી ભાષા પણ બોલી શકાશે.
બુલા એટલે કે નમસ્કારની થીમ પર આયોજિત આ સંમેલનમાં આગમન સમયે ભારતીય પરંપરા મુજબ સ્વસ્તી વાંચન સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે સમગ્ર વાતાવરણ ભારતમય થઇ ગયું હતું. આમ તો માંડ નવ લાખની વસતી ધરાવતા ફિજીમાં 36 થી 37 ટકા ભારતીયો છે, જે તમને ક્યાંય પણ એવું અનુભવવા દેતા નથી કે તમે ભારતથી હજારો કિલોમીટર દૂર છો. દેશની સુગંધ અહીંની માટીમાંથી આવે છે. હિન્દી પરિષદ માટે ભારતીયો કરતાં ફિજીના લોકો વધુ ઉત્સાહી છે.
આ સંમેલનમાં ભારતના શિક્ષણવિદો, લેખકો સહિત 300થી વધુ પ્રતિનિધિ પહોંચ્યા છે. તેમાં લગભગ 50 દેશના પ્રતિનિધિ પણ હાજર રહેશે. આ પ્રસંગે હિન્દીને સંયુક્ત રાષ્ટ્રની સત્તાવાર ભાષામાં સામેલ કરવાની વ્યૂહનીતિ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. હિન્દી વિશ્વના 80 કરોડથી વધુ લોકોની ભાષા છે. બુધવારે વિદેશ મંત્રી જયશંકર અને ફિજીના વડાપ્રધાન સિટિવેની રાબુકા સંમેલનનું ઉદ્ઘાટન કરશે.
ફિજીમાં હિન્દી ફિલ્મો અને ટીવી સિરિયલો ઘણી લોકપ્રિય
ફિજીની હિન્દી ભારતની મૂળ હિન્દી કરતાં થોડી અલગ છે. જેમાં અવધી અને ભોજપુરીના શબ્દો મળતા આવે છે. અગાઉની સરકારે હિન્દીની સાથે સ્થાનિક ભાષા ઇટોકેઇને સત્તાવાર ભાષાઓની યાદીમાંથી હટાવી દીધી હતી. નવી સરકારે હિન્દીનું જૂનું સન્માન પરત કર્યું છે. ફિજીમાં શાળાઓ અને કોલેજોમાં હિન્દી શીખવવામાં આવે છે. મોટાભાગના હિન્દી કાર્યક્રમો રેડિયો અને ટીવી પર જોવામાં આવે છે. ભારતની જેમ જ ઘણાં સિનેમા હોલ છે જેમાં માત્ર હિન્દી ફિલ્મો જ બતાવવામાં આવે છે. 143 વર્ષ પહેલા 14 મે 1879ના રોજ ભારતીય મજૂરોના એક જૂથને ફિજી લઈ જવામાં આવ્યા હતા.