સરકારે ઇ-કોમર્સ કંપની એમેઝોન અને એડટેક ફર્મ બાયજૂસને ચેતવણી આપી છે. સરકાર અનુસાર, આ કંપનીઓની કેટલીક ગતિવિધિઓ ગ્રાહકોના હિતોની વિરુદ્ધ છે. એમેઝોનને ચેતવણી આપવામાં આવી છે કે પ્રાઇવેટ લેબલ્સ તેમજ જે કંપનીઓમાં રોકાણ કર્યું છે, તેને પ્રાથમિકતા આપવાનું બંધ કરે. બાયજૂસને પણ ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી જાહેરાતો બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ગ્રાહક બાબતોના મંત્રાલયના સચિવ રોહિત કુમાર સિંહે કહ્યું હતું કે “અમે એમેઝોનને કહ્યું છે કે તમારું એલ્ગોરિધમ અને તમે જે રીતે લોકોને સર્ચ રિઝલ્ટ દેખાડો છો તેમાં પારદર્શિતા હોવી જોઇએ. તમારી પાસે તમારું પોતાનું લેબલ ન હોય શકે. માત્ર એ જ કંપનીઓ સર્ચ રિઝલ્ટમાં ટૉપ પર ન હોય શકે જેમાં તમે રોકાણ કર્યું છે. આ પ્રેક્ટિસ અયોગ્ય છે. તમારે વિક્રેતા અને ગ્રાહકોની વચ્ચે સંતુલન બનાવી રાખવાની જરૂર છે.
સિંહે વધુમાં ઉમેર્યું હતું કે એવું કઇ રીતે હોય શકે કે જ્યારે હું જૂતા માટે ગૂગલ પર સર્ચ કરું છું, ત્યારે મારા ફેસબૂક ફીડમાં આગામી વસ્તુમાં જૂતાની જ જાહેરાત હોય છે? તેના માટે કોણ જવાબદાર છે? મને ખબર છે કે તે વિક્રેતાના હિતમાં છે પરંતુ એક ગ્રાહક તરીકે આ અયોગ્ય છે. તેનાથી મારા તે અધિકારને નુકસાન પહોંચે છે કે મારા વિશેની જાણકારી અને મારી પસંદ, મારી સહમતિ વગર શેર કરાઇ
રહી છે.