ઓખાથી અમદાવાદ સુધીની રેલવે લાઈનનું ઈલેક્ટ્રિફિકેશન કામ સંપૂર્ણ પૂરું થઇ ગયા બાદ રાજકોટ આવતી-જતી 9 જોડી એટલે કે 18 ટ્રેનને ઇલેક્ટ્રિક બૂસ્ટર મળ્યું છે અને તે હવે ઈલેક્ટ્રિક એન્જિન સાથે દોડવા લાગી છે. આ તમામ ટ્રેન હવે ઇલેક્ટ્રિક એન્જિન સાથે દોડવાની હોવાથી અગાઉ ડીઝલની સરખામણીમાં રેલવેને ઇલેક્ટ્રિક એન્જિનથી નાણાંની બચત થશે જ્યારે યાત્રિકોનો સમય બચશે. અગાઉ રાજકોટથી અમદાવાદ સુધી ડીઝલ એન્જિન ટ્રેન દોડાવવામાં આવતી હતી પછી ત્યાંથી એન્જિન બદલી ઇલેક્ટ્રિક એન્જિન સાથે ટ્રેન આગળના રૂટ પર જતી હતી. આ પ્રક્રિયામાં યાત્રિકોનો 20થી 25 મિનિટનો સમય વેડફાતો હતો જેમાંથી હવે મુક્તિ મળી છે. હવે રાજકોટ કે ઓખાથી શરૂ થતી ટ્રેન અહીંથી જ ઇલેક્ટ્રિક એન્જિન સાથે દોડવા લાગી છે.
ડબલ ટ્રેક અને ઈલેક્ટ્રિફિકેશન કામગીરી પૂર્ણ થવાથી હવે ક્રોસિંગમાં પણ સમય વેડફાશે નહીં. અત્યાર સુધી એક જ ટ્રેક ઉપર સૌથી વધુ ભારણ રહેતું હતું તેના બદલે હવે ડબલ ટ્રેક થઇ જવાથી ટ્રેક ઉપરનું ભારણ પણ ઘટશે. રેલવે અને યાત્રિકોને ટ્રેકના ક્રોસિંગમાં જે સમય વેડફાતો હતો તેમાં પણ ઘણેખરે અંશે રાહત મળશે. રાજકોટ ડિવિઝનમાં 70થી વધુ ટ્રેન રાજકોટ-સુરેન્દ્રનગર રૂટ થઇને દોડી રહી છે હવે ડબલ ટ્રેક થવાથી યાત્રિકોના સમય બચવાની સાથે ટ્રેન પણ સમયસર દોડાવી શકાશે. રેલવેને ડીઝલની સરખામણીએ ઈલેક્ટ્રિફિકેશનથી દોડતી ટ્રેન 70% સસ્તી પડશે. રાજકોટથી અમદાવાદ જતા યાત્રિકોને 30થી 45 મિનિટ બચશે, સૌથી મોટો ફાયદો એ થશે કે ઈલેક્ટ્રિફિકેશન થયા બાદ હવા અને અવાજનું પ્રદૂષણ પણ ઘટી જશે.