ઉત્તરપ્રદેશના ફતેહપુરમાં 24 વર્ષના વિકાસને અવાર-નવાર સાપ કરડવાથી જિલ્લા વહીવટીતંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. સીએમઓના નેતૃત્વમાં બેથી ત્રણ ડોક્ટરોની એક ટીમ બનાવાઈ છે, જે 48 કલાકમાં તપાસ કરીને પોતાનો રિપોર્ટ આપશે.
વાસ્તવમાં વિકાસને 40 દિવસમાં 7 વખત સાપે ડંખ માર્યો છે. આ વખતે સાપ કરડતાં તેની હાલત ગંભીર બની હતી. તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. જોકે હવે તે ઘરે પહોંચી ગયો છે.
આ ઘટનાને લઈ ફતેહપુરના સીએમઓ ડૉ. રાજીવ નયન ગિરીએ કહ્યું કે યુવકને 5થી 6 વખત સાપે ડંખ માર્યો હોવાનું જણાવાયું હતું. હવે કદાચ સાતમી વખત તેને સાપે ડંખ માર્યો હશે. તેને દર વખતે શનિવાર-રવિવારે સાપ કરડતો હતો. ફતેહપુર ડીએફઓ રામાનુજ ત્રિપાઠીએ જણાવ્યું કે માહિતી મળી હતી કે એક જ વ્યક્તિને સાત વખત સાપે ડંખ માર્યો છે. પરંતુ તે સ્પષ્ટ નથી કે તેને એક જ સાપે ડંખ માર્યો હતો કે અલગ અલગ સાપે.