મણિપુર અઢી મહિનાથી હિંસાની આગમાં સળગી રહ્યું છે. આ દરમિયાન રાજ્યના ભાજપના ધારાસભ્ય પાઓલિનલાલ હાઓકિપે કહ્યું કે રાજ્ય સરકાર પણ હિંસામાં સામેલ છે.
સરકારની મિલીભગતને કારણે અઢી મહિના પછી પણ હિંસા પર કાબૂ મેળવી શકાયો નથી. તેમણે ઈન્ડિયા ટુડેમાં લખેલા એક લેખમાં આ વાત કહી છે.
પાઓલિનલાલ એ 10 ધારાસભ્યોમાં સામેલ છે જેમણે મે મહિનામાં મુખ્ય પ્રધાન એન બિરેન સિંહને પત્ર લખીને રાજ્યમાં કુકી-પ્રભુત્વ ધરાવતા જિલ્લાઓ માટે અલગ વહીવટની માગણી કરી હતી.
બીજી તરફ, બિષ્ણુપુર અને ચુરાચંદપુર વચ્ચેનો થોરબુંગ વિસ્તાર શનિવારે સાંજે 7 વાગ્યે ગોળીબારથી ગૂંજી રહ્યો છે. થોરબંગની શાળામાં કેટલાક લોકોએ આગ લગાવી હતી.
પછી અહીંથી ફાયરિંગ શરૂ કર્યું. આ દરમિયાન 50-60 લોકોનું એક જૂથ સીઆરપીએફના બંકરોની સામેના મુખ્ય માર્ગ પર અચાનક દેખાયું. રસ્તા પર ખુલ્લેઆમ ફાયરિંગ થઈ રહ્યું હતું, ભીડને કોઈ ડર નહોતો.
કુકી સમુદાયના લોકો તેમના ગામ પર હુમલાના ડરથી રસ્તા પર ઉતરી આવ્યા હતા. ભીડ મોટે ભાગે પુરુષોની હતી, તેમના ખભા પર રાઈફલ લટકેલી હતી અને હાથમાં ખાંગ (તલવાર જેવા હથિયારો) હતા. આ ક્રોસ ફાયરિંગ વચ્ચે સુરક્ષાદળોએ પત્રકારને તેના બંકરમાં છુપાઈને બચાવ્યો હતો.