રાજકોટ એરપોર્ટથી સવારે પોણા નવ વાગ્યે મુંબઈ ફ્લાઈટ જવાની હતી. આ માટે ફ્લાઈટ સમયસર લેન્ડ તો થઈ પણ ફરીથી ઊડી ન શકી. આ કારણે ઘણા મુસાફરો હાંફળાંફાંફળાં થઈ ગયા હતા. કારણ કે તેઓને મુંબઈથી લંડનની ફ્લાઈટ લેવાની હતી. જો મુંબઈ જ પહોંચી ન શકાય તો લંડનની ફ્લાઈટ ચૂકી જવાની ચિંતા હતી.
રાજકોટથી મુંબઈની ફ્લાઈટ મોટા ભાગે મુસાફરોથી ભરચક્ક હોય છે. ખાસ કરીને મુંબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચીને વિદેશ જનારાઓની સંખ્યા પણ હોય છે. રવિવારે ફ્લાઈટ ટેક ઓફ ન થતા આવા જ મુસાફરોને સૌથી મોટી સમસ્યા થઈ હતી. લંડનની ફ્લાઈટ ચૂકાઈ જાય તો ફરી વખત ટિકિટ મેળવવામાં તેમજ ખર્ચ કરવામાં ભારે સમય વીતી જાય અને પહોંચવામાં પણ મોડું થાય. જેને લઈને અમુક યાત્રીઓએ એર ઈન્ડિયામાં ફરિયાદોનો ધોધ ચલાવ્યો હતો. એર ઈન્ડિયાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, મુંબઈ જતી ફ્લાઈટ રાજકોટ પહોંચી હતી. પણ, તેમાં ટેક્નિકલ ક્ષતિ જણાતા તેને ગ્રાઉન્ડ કરી દેવાઈ હતી. મુસાફરોને સાચવવા માટે સાંજે ઈન્ડિગોની ફ્લાઈટ માટે અમુકની ટિકિટ લેવાઈ હતી તો અમુકને અમદાવાદ રવાના કરીને ત્યાંથી મુંબઈની ફ્લાઈટ કરી દેવાઈ હતી.