ભારતની સ્ટાર શટલર પીવી સિંધુએ મંગળવારે જકાર્તામાં રમાઈ રહેલી ઈન્ડોનેશિયા ઓપન વર્લ્ડ ટૂર સુપર 1000ના પહેલા રાઉન્ડમાં ઈન્ડોનેશિયાની ગ્રિગોરિયા મેરિસ્કા તુંજુંગને હરાવી પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.
મેન્સ સિંગલ્સમાં એચએસ પ્રણોયે પણ પોતાની મેચ જીતીને આગળના રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. બીજી તરફ ભારતીય વુમન્સ ડબલ્સમાં ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદની જોડીને હારનો સામનો કરવો પડ્યો હતો.
સિંધુની છેલ્લી ત્રણ મેચોમાં ગ્રિગોરિયા સામેની પ્રથમ જીત
છેલ્લી બે ટુર્નામેન્ટમાં પ્રથમ રાઉન્ડમાં બહાર થઈ ચૂકેલી સિંધુએ ઈન્ડોનેશિયાની ખેલાડીને 38 મિનિટની મેચમાં સીધા સેટમાં 21-19 21-15થી હરાવી પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા સામે સિંધુની છેલ્લી ત્રણ મેચમાં આ પ્રથમ જીત હતી.
સિંધુ સામે, ગ્રિગોરિયાએ પ્રથમ ગેમમાં સારી શરૂઆત કરીને 9-7ની સરસાઈ મેળવી હતી પરંતુ ભારતીય ખેલાડીએ તેની હાઇટનો ફાયદો ઉઠાવીને સારા પોઈન્ટ મેળવ્યા હતા અને ગ્રિગોરિયાથી સતત ત્રણ અનફોર્સ્ડ એરર લઈને બ્રેકમાં 11-10ની સરસાઈ મેળવી હતી અને પછી ગેમ જીતવામાં સફળતા મેળવી હતી.