જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્જો આબેના રાજકીય અંતિમસંસ્કાર 27 સપ્ટેમ્બરે ટોક્યોમાં થશે. રાજકીય સન્માનને લઇને વિવાદ યથાવત્ છે. અંતિમ સંસ્કારના સમર્થનને લઇને સપ્ટેમ્બરમાં થયેલા યોમીઉરી શિંબુન સરવેમાં 56% લોકોએ કહ્યું કે સરકારી ખર્ચે અંતિમસંસ્કાર ન કરવામાં આવે, અમે તેની વિરુદ્વ છીએ.
ટોક્યો કોર્ટમાં પણ રાજકીય સન્માન પર રોક લગાવવાની માંગને લઇને અરજી દાખલ કરાઇ છે. તેને જનતાનાં નાણાંનો વ્યય દર્શાવાયો છે. જનતાએ રાજકીય શોક પાળવા પણ ઇનકાર કર્યો છે. સામાન્યપણે જાપાનમાં શાહી પરિવાર અને દિવંગત વડાપ્રધાનના અંતિમસંસ્કાર રાજકીય સન્માન અથવા સરકારી ખર્ચે નથી કરાતા. આ પરંપરા છે. દરેક અંતિમ સંસ્કારો ખાનગી રીતે થતા આવ્યા છે, જેને કારણે આબેના મામલે પણ વિરોધ થઇ રહ્યો છે.
છેલ્લે 1967માં પૂર્વ વડાપ્રધાન શિગેરુ યોશિદાના અંતિમસંસ્કાર રાજકીય સન્માન સાથે થયા હતા. વડાપ્રધાન ફુમિયો કિશિદાએ 8 સપ્ટેમ્બરે સંસદ સત્ર દરમિયાન 4 કારણ ગણાવતા કહ્યું હતું કે આબેની અંત્યેષ્ટિમાં સરકાર અંદાજે 900 કરોડ રૂ.નો ખર્ચ કરશે.
પહેલાં આ ખર્ચ 95 કરોડ રૂપિયા હોવાનું જણાવાયું હતું, જેને સત્તાધારી એલડીએફ ઉઠાવવાની હતી. વર્ષ 2011માં સુનામી આવવા છતાં આબેએ દેશને શ્રેષ્ઠ રીતે તેની અસરમાંથી ઉગાર્યો હતો. તેમના શ્રેષ્ઠ શાસન અને લોકપ્રિયતાને કારણે સરકાર રાજકીય સન્માન સાથે અંતિમસંસ્કાર કરવા ઇચ્છે છે.