રાજકોટ શહેરમાં ભારે વરસાદની આગાહી પગલે વરસાદે વિરામ લઇ લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. રાજકોટ શહેરમાં સતત ત્રણ દિવસ વરસેલા 24 ઇંચ વરસાદના પગલે જનજીવન અસ્ત વ્યસ્ત બની ગયું છે. જ્યારે આજે રાત્રીના વાવાઝોડા માફક અતિ ભારે પવન ફુંકાતા અનેક જગ્યાએ વૃક્ષ તેમજ વીજ પોલ ધરાશાયી થયાની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે ભારે વરસાદના પગલે અનેક રસ્તાનું ધોવાણ થઇ ચૂક્યું છે. જેમાં શહેરના પ્રવેશ દ્વાર સમા માધાપર ચોક ખાતે સૌથી મોટા બબ્બે-ત્રણ-ત્રણ ફૂટ લાંબા ખાડા પડી ગયા છે.
રાજકોટ શહેરમાં સતત ત્રણ દિવસ વરસેલા અનરાધાર વરસાદના પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા અનેક રસ્તાઓ બંધ કરવા ફરજ પડી હતી. જેમાં શહેરના પ્રવેશ દ્વાર સમા માધાપર ચોકને પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. જ્યાં 7થી 8 ફૂટ પાણી ભરાઈ ગયા હતા. જ્યારે આજે વરસાદે વિરામ લેતા ઝરમર વરસાદ વચ્ચે માધાપર ચોક રસ્તો ખોલી તો દેવામાં આવ્યો છે પરંતુ અહીં રસ્તા પર મોટા મોટા ખાડા પડી ગયા છે.