ટેક્સી પાસિંગ સહિતની કાર્યવાહી માટે વધુ સમયની માગણી પૂરી નહિ કરવામાં આવતા ગુરુવારે શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે જ મોટા ભાગના સ્કૂલવાન સંચાલકોએ સ્વૈચ્છિક બંધ પાળ્યો હતો. જેને કારણે બાળકોને લેવા-મૂકવા સ્કૂલે જવું પડતા પહેલા જ દિવસે વાલીઓને કસરત કરવાનો વખત આવ્યો હતો. બીજી તરફ પ્રથમ દિવસે જ આરટીઓ તંત્રે ચેકિંગ ઝુંબેશ હાથ ધરી 11 સ્કૂલવાન ચાલક સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી.
સ્કૂલવાનને ટેક્સી પાસિંગ કરાવવા, બેઠક વ્યવસ્થામાં બાંકડા રાખવા અને 20ને બદલે 40 કિ.મી.ની ગતિ મર્યાદા વધારી આપવા સ્કૂલવાન સંચાલકોએ આરટીઓ અધિકારીને રજૂઆત કરી હતી. આરટીઓ તંત્ર દ્વારા શહેરમાં દોડતી ત્રણ હજારથી વધુ સ્કૂલવાનને બે દિવસમાં જ ઉપરોક્ત તમામ કાર્યવાહી કરી લેવા સૂચના આપી હતી.