રાજકોટ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષો પછી કાયમી રજીસ્ટ્રાર તરીકે કે.કા. શાસ્ત્રીજીના જન્મદિવસના પાવન દિવસ પર ડો. એચ.પી. રુપારેલીઆએ 22 મા રજીસ્ટ્રાર તરીકે આજે કુલપતિ ગિરીશ ભીમાણીની ઉપસ્થિતિમાં ચાર્જ સંભાળ્યો હતો.
આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિ ગિરીશભાઈ ભીમાણીએ નવા કુલસચિવ ડો. રુપારેલીઆને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, આપ પ્રથમ કુલગુરુ ડો. ડોલરરાય માંકડે કંડારેલી કેડી પર કાર્ય ચાલીને કરતા રહો અને યુનિવર્સિટીને નવી ઉંચાઈએ લઈ જવા પ્રતિબધ્ધ બનો એવી શુભેચ્છા.
ડો.રુપારેલીઆએ યુનિવર્સિટી કેમ્પસ ખાતે રજીસ્ટ્રાર તરીકે ચાર્જ લેતા પહેલાં સરસ્વતી માતાજીનું પૂજન કરી પ્રથમ કુલગુરુ ડો.ડોલરરાય માંકડની પ્રતિમા તથા સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કુલસચિવ તરીકે ચાર્જ સંભાળતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના હિત, સંસ્થાનું નામ ઉજજવળ બને, સંસ્થાનો વિકાસ થાય એ દિશામાં હું સદૈવ કાર્ય કરતો રહીશ.
આ તકે પરીક્ષા નિયામક નિલેશ સોની, નાયબ કુલસચિવ અમીત પારેખ, ડો. જી.કે. જોષી તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સર્વે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
ઉલ્લેખનીય છેકે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લે ગજેન્દ્ર જાની ડિગ્રી વિવાદમાં ફરજ મુક્ત થયા બાદ છેલ્લાં 10 વર્ષથી કાયમી કુલસચિવ ની જગ્યાં ખાલી હતી જે હવે ભરાઈ છે.