રાજકોટની ભાગોળે ખનીજચોરીનો મસમોટો કિસ્સો સામે આવ્યો છે જેમાં ખનીજ માફિયાઓએ ગૌચર ખોદી નાખી લાખો ટન સોફ્ટ મોરમ સગેવગે કરી દીધી છે. ખાણ ખનીજ વિભાગની ઓચિંતી રેડથી સ્થાનિક તંત્ર પણ ઊંઘતું ઝડપાયું હતું. તંત્ર લોડર, એસ્કેવેટર, ટ્રક અને ટ્રેક્ટર સહિતનો 75 લાખ રૂપિયાનો માલ જપ્ત કર્યો છે અને સોમવારે માપણી કરી કરોડોનો દંડ ફટકારાય તેવી શક્યતા છે.
ગૌચર ખોદી નાખી લાખો ટન સોફ્ટ મોરમ સગેવગે કરી દીધી
રાજકોટ શહેરથી માત્ર 15 કિ.મી. દૂર આવેલા લોધિકા તાલુકાના હરીપર(તરવડા) અને ચીભડાની સીમ વચ્ચે ઘણા સમયથી ખનીજચોરીની ફરિયાદ ઊઠી હતી જેને લઈને ભુસ્તરશાસ્ત્રી જે. એસ. વાઢેરે તપાસનો આદેશ કરતા માઈન્સ સુપરવાઈઝર એચ.એમ. સોલંકી, જે.એમ. પોમલ, એ. એન. પરમાર અને ડી.એસ. જાડેજાએ ખાનગીરાહે તપાસ કરી વહેલી સવારે ઓચિંતી રેડ કરી હતી જેમાં ગામના સીમાડે જ ખોદકામ ચાલુ જોવા મળ્યું હતું. સ્ટાફ આવતા જ દોડાદોડી થઈ ગઈ હતી.
ખનીજચોરીનો મસમોટો કિસ્સો સામે આવ્યો
પણ વાહનો હટી શક્યા ન હતા અને 2 લોડર, 1 એસ્કેવેટર, 2 ટ્રેક્ટર અને એક ટ્રક સહિતનો અધધ 75 લાખ રૂપિયાના વાહનો જપ્ત કરીને લોધિકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા. પ્રાથમિક તબક્કે આ ખનીજચોરી ગુલાબ ઠેબા કરી રહ્યો હોવાનું ખુલ્યું છે. આ વિસ્તારમાં હવે ખાણખનીજ વિભાગ માપણી કરીને કેટલું ખનીજ ચોરાયું છે તેનો હિસાબ કરી દંડ ફટકારાશે.