રાજકોટમાં વિદ્યાર્થીઓ પાસેથી ઊંચી ફી વસૂલ કરી ભરવાપાત્ર થતો ટેક્સ નહીં ચૂકવીને સંચાલકો ટેક્સચોરી કરતા હતા. ટેક્સચોરી જીએસટી વિભાગના ધ્યાને આવતા રાજકોટમાં 2 અને અમદાવાદ, વડોદરા, સુરત મળી કુલ 31 સંચાલકોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે.
જીએસટી વિભાગના તપાસનીશ અધિકારીઓના જણાવ્યાનુસાર માર્કેટ ઇન્ટેલિજન્સ તથા સિસ્ટમ બેઇઝડ એનાલિસિસના આધારે સંશોધનની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. આ તપાસના આધારે માલૂમ પડ્યું કે, કમ્પ્યુટરના સંચાલકો ટેક્સ ભરતા નથી અને તેઓ ટેક્સચોરી કરે છે. ટેક્સચોરી પકડવા માટે કમ્પ્યુટર મલ્ટિમીડિયા, એનિમેશન તથા અન્ય વિવિધ સ્થળોએ તપાસ કરવામાં આવી છે. કુલ 15 સંચાલકોના 31 સ્થળોએ તપાસ કરાઈ હતી. જેમાં અમદાવાદ ખાતે 4, સુરતમાં 24, વડોદરામાં 1, રાજકોટ ખાતે ચાલતા 2 વર્ગમાં તપાસ કરાઈ છે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, સંચાલકો કલાઉડ બેઇઝડ ઇઆરપી સોફ્ટવેરમાં હિસાબો નિભાવતા હતા. તેમજ જે ફી ઉઘરાવવામાં આવતી હતી એ પણ રોકડમાં જ વસૂલ કરાતી હતી તેના પર જે ભરવાપાત્ર ટેક્સ થતો હતો એ ચૂકવવામાં આવતો નહોતો. અત્યાર સુધીની તપાસમાં અંદાજિત રૂપિયા 20 કરોડના બેનામી વ્યવહાર મળી આવ્યા છે. તપાસમાં હિસાબી સાહિત્ય, બેન્ક સ્ટેટમેન્ટ, લોકરની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.