વૈશ્વિક પરિબળો સાથે સ્થાનિક સ્તરે કંપનીઓના નબળા પરિણામો વચ્ચે આજે ભારતીય શેરબજારમાં શરૂઆત સાધારણ બે-તરફી વધઘટ સાથે ઘટાડો જોવાયો બાદ નીચા મથાળેથી રીકવરી જોવા મળી હતી, જો કે ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વને ટેરિફ યુદ્વમાં ધકેલતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 12-13 ફેબ્રુઆરીની અમેરિકા મુલાકાતની પૂર્વ અમેરિકી ડોલર સામે રૂપિયાના વધુ પતનને અટકાવવા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ફોરેક્સ માર્કેટમાં બે દિવસમાં અંદાજીત પાંચ અબજ ડોલરનું જંગી વેચાણ કરતાં અમેરિકી ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઉછાળો નોંધાતા આજે ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડી રહી હતી.
છેલ્લા ત્રણ દિવસમાં રોકાણકારોની સંપતિનું રૂ.16 લાખ કરોડથી વધુનું ધોવાણ થઈ ગયું હતું. પાંચ દિવસથી શેરબજારમાં સતત ઘટાડાને કારણે રોકાણકારોની સંપત્તિમાં અંદાજીત રૂ.18 લાખ કરોડથી વધુનું ધોવાણ જોવા મળ્યું છે. કરન્સી માર્કેટની વાત કરીએ તો, ગઈકાલે રૂપિયો 87.96 ના નવા સર્વકાલીન નીચલા સ્તરે પહોંચ્યા બાદ અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાના પતનને અટકાવવા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા મોટાપાયે સક્રિય બનતા અંદાજીત પાંચ અબજ ડોલરનું વેચાણ કરતા રૂપિયો ઝડપી રિકવર થયો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.45% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.49% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મેટલ, કોમોડીટીઝ, ફાઈનાન્શિયલ સર્વિસ, બેંકેકસ, કેપિટલ ગુડ્સ, ઇન્ડસ્ટ્રીયલ્સ અને ટેલિકોમ્યુનિકેશન શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.