ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 6 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યાં છે. આજે તેમનો ત્રીજો દિવસ છે. ત્યારે વડાપ્રધાન મોદી આગામી 31મી ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ ચૂંટણી પહેલાં 3 કાર્યક્રમો કરશે. જેમાં મલુપુરમાં 4 ખાતમૂહૂર્ત કરીને જંગી સભાને સંબોધશે તથા કેવડિયામાં સરદાર જયંતિએ એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. ત્યાર બાદ તેઓ દેશના ભાજપના કાર્યકરોને દિલ્હીથી સંબોધશે. પછી જ ગુજરાતની ચૂંટણીની જાહેરાત થશે એવું માનવામાં આવી રહ્યું છે.
વડાપ્રધાનના હમણાં હમણાં બે કાર્યક્રમો યોજાયા
સરદાર જયંતીએ પરંપરા પ્રમાણે કેવડિયામાં એકતા દિવસ સવારે પરેડ સાથે ઊજવાશે. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી પણ સામેલ થાય તેવી શક્યતા ખરી. દર વર્ષની માફક કેવડિયામાં વડાપ્રધાન IAS પ્રોબેશનર્સને પણ સંબોધશે. કેવડિયાથી વડાપ્રધાન બપોરે અમદાવાદ એરપોર્ટ આવી ત્યાંથી બપોરના ત્રણ વાગે થરાદના મલુપુર ગામના હેલિપેડ ખાતે તેઓ જાહેરસભાને સંબોધશે. બનાસકાંઠામાં વડાપ્રધાનના હમણાં હમણાં બે કાર્યક્રમો યોજાયા છે, છેલ્લે 30મી સપ્ટેમ્બરે તેઓ અંબાજી આવ્યા હતા. આ વખતે તેઓ થરાદમાં ચાર યોજનાઓનું ખાતમુહૂર્ત અને ત્રણ યોજનાઓની માત્ર જાહેરાત કરશે.
થરાદના મલુપુરમાં 4 ખાતમૂહૂર્ત
ખાતમુહૂર્ત થનારી ચારે યોજના સિંચાઈને લગતી છે, જેમાં રૂ. 1,566 કરોડની કસરા-દાંતીવાડા નર્મદા પાઇપલાઇન યોજના, રૂ. 191 કરોડની ડીંડરોલની મુકતેશ્વર ડેમ સુધીની નર્મદા પાઇપલાઇન યોજના, નર્મદા નિગમની રૂ. 88 કરોડની 32 કિમીની સૂઈગામ નર્મદા બ્રાન્ચ કેનાલ અને રૂ. 13 કરોડની કાંકરેજ-દિયોદર-પાટણ માટે પાણી પુરવઠા બોર્ડની યોજના સામેલ છે. જ્યારે મોઢેરા-મોટી ધાઉ હયાત પાઇપલાઇન મુક્તેશ્વર ડેમ અને કર્માવત તળાવ સુધી લંબાવવાની રૂ. 550 કરોડની યોજના, રૂ. 145 કરોડના ખર્ચે બાલારામ નદી ઉપરના ડેમમાંથી પાણી લઈ મલાણી તળાવ સહિત 13 તળાવો ભરવાની યોજના અને રૂ. 126 કરોડની સાંતલપુરના ઊંચાઈ ઉપરના 11 ગામોને પાઇપલાઇનથી પાણી આપવાની યોજનાની વડાપ્રધાન દ્વારા જાહેરાત કરાશે.