દર વર્ષે કરોડો લોકો નવી નવી જગ્યાએ ફરવા જાય છે. એમ તો યાત્રા પર જતી વેળા જરૂરના સામાન અથવા તો લગેજ માટે એક મધ્યમ બેગ ખૂબ છે, પરંતુ ખૂબ ઓછા લોકો સાથે લઇ જવામાં આવતા લગેજને લઇને યોગ્ય મૂલ્યાંકન કરી શકે છે. મોટા ભાગના લોકો જરૂર કરતાં વધારે લગેજ પેક કરે છે. કેટલાક લોકો તો વધારે સામાન એટલા માટે પણ લઇ જાય છે કે ટિકિટમાં તેની ચુકવણી કરેલી હોય છે. વધારે લગેજ એટલે વધુ પ્રદૂષણ. આને ઘટાડવા માટે કેટલાક દેશોમાં નવી નીતિઓ તૈયાર કરવામાં આવી રહી છે.
જાપાનમાં એરલાઇન્સે લગેજને ઘટાડવા માટે યાત્રીઓને વસ્ત્રો ભાડે આપવા માટેની સુવિધા શરૂ કરી છે. ફ્રાન્સ, સ્વિત્ઝર્લેન્ડ અને ઓસ્ટ્રિયામાં પણ રિસોર્ટમાં પ્રવાસીઓને બરફનાં કપડાં, અને સ્કીઇંગ ગિયર ભાડા પર આપવાની શરૂઆત કરવામાં આવી છે. ક્રોએશિયાના શહેર ડુબ્રોનિકે તો ટ્રોલી બેગ લાવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. જોકે આના કારણે પ્રવાસીઓ ઓછા સામાન લાવવા માટે પ્રેરિત થયા છે કે કેમ તે બાબત પર વાત કરવી મુશ્કેલ છે. કેન્યા, ટાન્ઝાનિયા અને યુગાન્ડામાં કોઇ પણ બેગ પર પ્રતિબંધ નથી પરંતુ વધારે સામાન લાવવાને લઇને કેટલાક નિયમો ચોક્કસ છે.