શહેરના આજી ડેમના કાંઠેથી ત્રણ દિવસ પૂર્વે મળેલા કપાયેલા બે પગ યુવતીના નહીં પરંતુ યુવકના હોવાનું ખુલ્યું છે. પરપ્રાંતીય યુવકે ટ્રેન નીચે ઝંપલાવી આપઘાતની કોશિશ કરી હતી. ઓપરેશનથી તે પગ નહીં જોડી શકાતા બંને પગ યુવકના સંબંધીએ ડેમમાં ફેંકી દીધા હતા.
આજી ડેમના કાંઠેથી મળેલા બંને પગ અંગે અનેક તર્કવિતર્ક થઇ રહ્યા હતા. શહેરભરની પોલીસ આ રહસ્ય ઉકેલવા મથી રહી હતી ત્યારે બી.ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.એમ.જાડેજાની જાગૃતતાએ ભેદ પરનો પડદો ઊંચકી દીધો હતો. આજી ડેમ ચોકડી પાસે રહેતા યુપીના વતની રાજેશ ચૌહાણે ગત તા.27 એપ્રિલના મોરબી રોડ ફાટકે ટ્રેન નીચે પડતું મુક્યું હતું. ગંભીર રીતે ઘવાયેલા રાજેશને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો અને ત્યાંથી તેને અમદાવાદ હોસ્પિટલમાં રીફર કરાયો હતો.
ઘટનાસ્થળે પહોંચેલી બી.ડિવિઝન પોલીસને રાજેશના કપાયેલા બે પગ અને સ્યૂસાઇડ નોટ મળી હતી. જેમાં રાજેશે લખ્યું હતું કે, પોતે ફાઇનાન્સ કંપનીમાંથી 20 લાખની હોમ લોન લીધી હતી જેના હપ્તા ચડત થઇ જતાં પગલું ભર્યું હતું. બી.ડિવિઝ્ન પોલીસે યુવકના બંને પગ ઓપરેશનથી જોઇન્ટ થઇ શકે તેવા હેતુથી બંને પગ અમદાવાદ હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા, પરંતુ તબીબોએ તે બંને પગ ફરીથી જોડી શકાશે નહીં તેવો અભિપ્રાય આપી તે પગનો યોગ્ય રીતે નિકાલ કરવા ચૌહાણ પરિવારને આપ્યા હતા. રાજેશનો સંબંધી રાજેન્દ્ર યાદવ તે બંને પગ લઇને રાજકોટ આવ્યો હતો અને આજી ડેમમાં ફેંકી દીધા હતા. હાલમાં રાજેન્દ્ર યુપી હોવાથી પોલીસ તેની વિશેષ પૂછપરછ કરી શકી નહોતી. આ ઉપરાંત પોલીસે આ બંને પગ રાજેશ ચૌહાણના જ છે તે સ્પષ્ટ કરવા રાજેશના બ્લડ સેમ્પલ લઇને ડીએનએ ટેસ્ટ માટે મોકલ્યું હતું. બંને પગ મળવાની ઘટનાનો ભેદ ઉકેલાઇ જતાં પોલીસે રાહતનો દમ લીધો હતો.