જામનગરની ઓશિયાની ફુડ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓને તેના પદ પરથી દૂર કરવા સગાભાઇ અને કંપનીના ચેરમેન, તેના પત્ની અને કંપની સેક્રેટરીએ ષડયંત્ર રચી ખોટા દસ્તાવેજો ઊભા કરી છેતરપિંડી આચરી હતી. આ મામલે સીઆઇડી ક્રાઇમે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અમદાવાદના પ્રહલાદનગરના સામર્થ્ય હાઇટ્સમાં રહેતા ઓશિયાની ફુડ્સ પ્રા.લી.ના સીઇઓ તુલન વિનોદરાય પટેલે (ઉ.વ.45) રાજકોટ સીઆઇડી ક્રાઇમમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કંપનીના ચેરમેન અને તેના સગા ભાઇ જામનગરના પાર્ક કોલોનીમાં આવેલા સીમંધર હાઇટ્સમાં રહેતા વિનોદરાય પટેલ, ભાભી ફોરમ ઉર્ફે દર્ષિતા અજેશ પટેલ તથાં કંપનીના સેક્રેટરી શ્રીનીવાસ અનિલ જાનીના નામ આપ્યા હતા. તુલન પટેલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઓશિયાના ફુડસ લી.ના તેઓ 52 ટકા શેર ધરાવે છે અને કંપનીમાં 2018થી મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ તરીકે ફરજ બજાવે છે, તેના મોટાભાઇ અજેશ પટેલ ડાયરેક્ટર અને ચેરમેન તરીકે ફરજ બજાવે છે, અજેશની પત્ની ફોરમ કંપનીમાં કોઇ હોદ્દો ધરાવતી નથી છતાં તે કંપનીના તમામ વહીવટોમાં દખલગીરી કરે છે.
વર્ષ 2019માં પરિવારમાં મતભેદો શરૂ થયા હતા અને ભાઇ-ભાભી કંપનીના વહીવટ અને મિલકત બાબતે ઝઘડા કરતા હતા અને તેમના માતાને મારકૂટ પણ કરી હતી, પારિવારિક ઝઘડાથી કંટાળી તુલન પટેલે કંપનીમાંથી રાજીનામું આપી દીધું હતું અને તેની સેબીમાં જાણ પણ કરી દીધી હતી જોકે ત્યારબાદ પરિવારના અન્ય સભ્યોની સમજાવટથી તુલન પટેલે રાજીનામું પરત ખેંચી લીધું હતું અને તે અંગેની પણ સેબી સહિત તમામ જરૂરી તંત્રમાં જાણ કરી હતી, પરંતુ અજેશ ભાભી દર્શિતા અને કંપનીના સેક્રેટરી શ્રીનિવાસ જાનીએ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગના એજન્ડામાં ફેરફાર કરી તુલન પટેલનું મેનેજિંગ ડિરેક્ટર તરીકે રાજીનામું દર્શાવી કંપનીના શેર હોલ્ડર્સ તથા ગ્રાહકોને ખોટી માહિતી આપી હતી.