Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સ્ટાફ નર્સની ભરતી પરીક્ષાની સોમવારે જાહેર કરાયેલી આન્સર કીમાં સાચા જવાબનો દરેકનો ક્રમ એબીસીડી, એબીસીડી હોવાથી ઉમેદવારોએ ગેરરીતિની શંકા વ્યક્ત કરી હતી, જેના પગલે આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે. આ તપાસ કરતા પહેલા આરોગ્ય વિભાગે 14મી ફેબ્રુઆરી સુધીમાં સાંજે 5 વાગ્યા સુધીમાં ગાંધીનગર આરોગ્ય કમિશનર કચેરીની કાર્યાલયમાં ઉમેદવારોને રજૂઆત કરવાની જાહેરાત કરી છે. જોકે આ દરમિયાન નર્સિંગ ઉમેદવારોના ગ્રૂપમાં જ પરીક્ષાના દિવસે પરીક્ષા શરૂ હતી ત્યારે જ એક ક્લાસીસવાળાએ ‘કહ્યું હતું આપડે જ પેપર કાઢ્યંુ છે, માનતા જ ન હતા’ તેવો મેસેજ ફરતો થયો હતો.


આ પછી તેમણે સ્પષ્ટતા પણ કરી હતી કે, આવા મેસેજ વાઇરલ કરવા નહીં. જોકે ઉમેદવારોએ તેમની આન્સર શીટમાં બારકોડ પણ લગાડવામાં આવ્યા ન હોવાની ફરિયાદ કરી હતી. નર્સિંગની 200 માર્કની પરીક્ષામાં પ્રશ્નપત્ર-1 નર્સિંગના અભ્યાસક્રમનું અને પ્રશ્નપત્ર 2 ગુજરાતી વિષયનું હતું.બંને પ્રશ્નપત્ર 100 માર્કના હતા અને બંને પ્રશ્નપત્રમાં ચાર સેટ એબીસીડી હતા અને તેના જવાબમાં અપાયેલા વિકલ્પ પણ એબીસીડી હતા,જેની જાહેર કરાયેલી આન્સર શીટમાં જવાબ એબીસીડી... એબીસીડી એવા આવ્યા હતા, જેના પરિણામે પરીક્ષામાં ગરબડ થઈ હોવાની શંકા પ્રવર્તી હતી.

આ બાબતે આરોગ્ય વિભાગે તપાસ કરવાની જાહેરાત કરી છે. આશ્ચર્યની વાત એ છે કે, આન્સર શીટમાં જ બારકોડ લગાડવામાં આવ્યા નથી, જેના પરિણામે કોનો શીટ નંબર છે તે પ્રદર્શિત થઈ જાય છે એટલે ઉત્તરવહી જોવામાં જ પરીક્ષાર્થીની ઓળખ છતી થઈ જાય છે. ઉમદેવારોએ આ પરીક્ષા રદ કરવી જોઈએ તેવી માગ કરી છે.