વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં ભાજપ કોને ઉતારશે, કોણ કપાશે, પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની બેઠક પર કોની પસંદગી થશે, તેવી અનેક અટકળો વચ્ચે ગુરુવારે ભાજપે યાદી જાહેર કરતાં જ રાજકોટના રાજકારણમાં અપસેટ સર્જાયો હતો, રાજકોટના ઇતિહાસમાં ભાજપે પ્રથમ વખત ચારેય બેઠક પર ગત ચૂંટણીના સંદર્ભમાં ચારેય નવા ચહેરાની પસંદગી કરી હતી. વિધાનસભા 68માં ઉદય કાનગડ, 69માં દર્શિતાબેન શાહ, 70માં રમેશ ટીલાળા અને 71માં ભાનુબેન બાબરિયાના નામની જાહેરાત કરવામાં આવી હતી, આ ચારેય ઉમેદવાર આજે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા.એ સમયે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ભાજપને કાર્યકરોને ઉત્સાહિત કરવા સભા સંબોધી હતી.જે બાદ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી.આ ઉપરાંત ડો.દર્શિતા શાહએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યસભા સાંસદની હાજરીમાં ઉમેદવારી નોંધાવી હતી અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારના ઉમેદવાર ભાનુબેન બાબરીયાએ રાજકોટના મેયરની હાજરીમાં ઉમેદવારી પત્રક ભર્યું હતું.