હિંદુ પંચાંગ પ્રમાણે પ્રદોષ વ્રત 23 સપ્ટેમ્બર, શુક્રવારના રોજ છે. શિવ પુરાણ પ્રમાણે સુદ અને વદ પક્ષની તેરસ તિથિ એટલે તેરસના દિવસે શ્રદ્ધાપૂર્વક ભગવાન શિવની પૂજા પ્રદોષ કાળમાં કરવાની પરંપરા છે. ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે પ્રદોષ કાળમાં ભગવાન શિવ રજત ભવનમાં નૃત્ય કરે છે અને પ્રસન્ન મુદ્રામાં રહે છે. પ્રદોષને શિવપૂજાનો પર્વ પણ કહેવામાં આવે છે. કેમ કે આ દિવસે કરવામાં આવતું વ્રત અને શિવપૂજાનું અનેક ગણું શુભ ફળ મળે છે. જાણકારો પ્રમાણે પ્રદોષમાં કરવામાં આવતી પૂજા શ્રાવણમાં થતી શિવ પૂજા સમાન ફળ આપે છે. પિતૃપક્ષ દરમિયાન આવતી તેરસ તિથિએ શિવજીની પૂજાથી દરેક પ્રકારના રોગ, શોક અને દોષ દૂર થાય છે.
પ્રદોષ વ્રત કરવાથી બીમારીઓ દૂર થાય છે અને ઉંમર વધે છે. આ દિવસે વ્રત અને પૂજા કરવાથી પરિણીતા મહિલાઓની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને સુખ-સમૃદ્ધિ મળે છે. આ વ્રત દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે ફળદાયી માનવામાં આવે છે.
પ્રદોષ વ્રતની પૂજા સૂર્યાસ્તથી 45 મિનિટ પહેલાં અને સૂર્યાસ્તની 45 મિનિટ સુધી કરવામાં આવે છે. આ સમયગાળાને પ્રદોષકાળ કહેવામાં આવે છે. પ્રદોષના દિવસે સૂર્યાસ્ત સમયે સ્નાન કરીને શિવ મૂર્તિ સામે કે પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ કરીને બેસવું. હાથમાં જળ ફૂલ-ફળ અને ચોખા લઈને "મમ શિવ પ્રસાદ પ્રાપ્તિ કામનયા પ્રદોષ વ્રતાંગી ભુતમ્ શિવપૂજનં કરિષ્યે" આ સંકલ્પ લઈને ભસ્મનું તિલક અને રૂદ્રાક્ષની માળા પહેરાવીને શિવજીની પૂજા કરો. સોમ પ્રદોષનું વ્રત કરવાથી દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે. વદ પક્ષમાં પ્રદોષનું મહત્ત્વ વધારે હોય છે. આ દિવસે ભગવાન શિવજીની પૂજા સાથે-સાથે માતા પાર્વતીની પણ પૂજા કરવામાં આવે છે. મહિલાઓ માતા પાર્વતીને લાલ ચૂંદડી અને સુહાગનો સામાન ચઢાવે છે.