વાહન અકસ્માતમાં અરજદારને વીમાની રકમ મેળવવા જરૂરી પોલીસ પેપર્સ આપવાના બદલામાં વર્ષ 2015માં થોરાળા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રાઠવાએ રૂ.1 હજારની લાંચ લીધી હતી. આ કેસમાં કોર્ટે તેને કસૂરવાર ઠેરવી ચાર વર્ષની સજા ફટકારી હતી. ફરિયાદી મુકેશ લુગાગરિયાએ અકસ્માતમાં તેના બાઇકમાં થયેલી નુકસાની અંગે વીમાકંપની પાસેથી રકમ મેળવવાની હતી. આ રકમ મેળવવા વીમાકંપનીએ અરજદાર મુકેશને પોલીસ પેપર્સ રજૂ કરવા કહ્યું હતું. મુકેશ લુણાગરિયાએ પોલીસ પેપર્સ માગતાં થોરાળા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ જામસીંગ દેશલા રાઠવાએ પોલીસ પેપર્સ આપવા માટે રૂ.1 હજારની લાંચ ઝેરોક્સના પૈસાના નામે કરી હતી.
આ અંગે મુકેશે જાણ કરતાં 28 ઓક્ટોબર 2015ના છટકું ગોઠવાયું હતું અને મુકેશે કોન્સ્ટેબલ જામસીંગને રૂ.1 હજાર આપ્યા હતા. તે રકમ સ્વીકાર્યા બાદ કોન્સ્ટેબલ જામસીંગે રૂ.500ની નોટ મુકેશને પરત આપી હતી તે સાથે જ એસીબી ટીમે તેને ઝડપી લીધો હતો.