સોમવારની સરખામણીએ મંગળવારે ટમેટાંના ભાવમાં એક મણે રૂપિયા 600નો ઘટાડો થયો હતો. આમ છતાં છૂટક બજારમાં ટમેટાંનો ભાવ 150થી લઈને 180 સુધી બોલાયો હતો. આવક વધતા ભાવ ઘટ્યા હતા. હાલ બેંગ્લોરથી ટમેટાં આવી રહ્યા છે. એક સપ્તાહ બાદ નાસિકથી આવક શરૂ થશે અને ટમેટાંના ભાવમાં ઘટાડો આવશે એમ વેપારીઓ જણાવી રહ્યા છે. જ્યારે સિંગતેલમાં મંગળવારે સતત તેજી રહેતા ડબ્બાનો ભાવ રૂપિયા 3100 થયો હતો. વરસાદે વિરામ લેતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી લીલા શાકભાજીની આવક વધી રહી છે ત્યારે શાકભાજીના ભાવમાં મહદંશે ઘટાડો નોંધાયો છે.
જોકે છૂટક બજારમાં હજુ ઉંચા જ ભાવ વસૂલાતા હોવાની ફરિયાદ ગૃહિણી અને લોકોમાં ઊઠી છે. હાલ સૌથી વધુ બટેટાની આવક થઈ રહી છે અને પુરુષોત્તમ માસના ઉપવાસને કારણે સૌથી વધુ ડિમાન્ડ પણ તેની જ રહેતી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. અત્યારે યાર્ડમાં ટમેટાંની એક ગાડીની આવક નોંધાઇ છે.
ટમેટાનાં ભાવ વધવાને કારણે રેસ્ટોરન્ટ-હોટેલ વગેરેમાં પણ દરેક મેનુમાં 20 ટકા સુધીનો ભાવવધારો લાગુ કરવામાં આવ્યો છે, તો સલાડમાંથી ટમેટાં ગાયબ થઈ ગયા છે. જો ટમેટાં સાથેનું સલાડ જોઈતું હોય તો વધારાનો ચાર્જ વસૂલ કરવામાં આવે છે. મંગળવારે સિંગતેલ લૂઝમાં 1900ના ભાવે સામાન્ય ટેન્કરના કામકાજ નોંધાયા હતા જ્યારે કપાસિયા વોશનો ભાવ 920 રહ્યો હતો. મગફળીના ભાવની સપાટી યથાવત્ રહી હતી.