દેવભૂમિ દ્વારકા ખાતે આવેલા જગત મંદિરમાં પ્રથમ વાર એવું બન્યું કે, 25 ગાયો માટે રાત્રે મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા હોય અને 450 કિલોમીટરની પદયાત્રા કરીને છેક કચ્છના રાપર પાસેના નાના રણમાં આવેલા મેડક બેટથી આવેલી ગાયોએ મંદિરની અંદર જઈને દ્વારકાધીશના દર્શન કર્યા હોય ! તાજેતરમાં બનેલી આ ઘટનાએ આખી દ્વારકા નગરીને ભાવવિભોર બનાવી દીધી છે.
આખા દેશમાં સૌપ્રથમ વખત કચ્છના લખપતથી લમ્પી વાયરસની શરૂઆત થઈ હતી અને પશુપાલકો ભયથી ફફડી ઊઠ્યા હતા એ સમયમાં કચ્છના રાપર તાલુકાના મેડક બેટના મહાદેવભાઇ દેસાઈ નામના એક માલધારીએ પોતાના પશુધનને આ ઘાતક વાયરસથી બચાવી લેવા માટે દ્વારકાધીશની માનતા માની હતી કે, હે કાળીયા ઠાકર, મારી ગાયોને લમ્પીથી બચાવી લેજે તો એમને પગપાળા લઈ આવીને તમારા દર્શન કરાવીશ.