શહેરમાં પોલીસે મહિલા સંચાલિત મસમોટી જુગાર ક્લબ સહિત સાત સ્થળે દરોડા પાડી 50 જુગારીને રૂ.1.75 લાખની રોકડ સાથે પકડી પાડ્યા છે. મવડી પ્લોટ, પ્રજાપતિ સોસાયટી 2/5માં શિલ્પા ભાવેશ સંચાણિયા નામની મહિલાએ તેના ઘરે મોટા પાયે જુગાર ક્લબ ચાલુ કરી હોવાની ક્રાઇમ બ્રાંચને માહિતી મળી હતી. જે માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મહિલાના મકાનમાં જુગારના બે ફિલ્ડ ચાલતા હતા. જેમાં શિલ્પા સહિત 19 મહિલા તીનપત્તીનો જુગાર રમતા મળી આવી હતી.
પોલીસે રૂ.45,800ની રોકડ, એક મોબાઇલ મળી કુલ રૂ.50,800નો મુદ્દામાલ કબજે કર્યો છે. કોઠારિયા રિંગ રોડ, વિજયનગર-1માં હીના ટાઇમ્સ નામના કારખાનામાંથી કારખાનેદાર મનસુખ બાબુ નોંઘણવદરા સહિત 4ને રોકડા રૂ.62,300 સાથે, કોઠારિયા રોડ, જડેશ્વરપાર્ક-1માં દિલીપ કાનજી સાવલિયાના મકાનમાંથી દિલીપ સહિત 3 શખ્સને રોકડા રૂ.24,500, 3 મોબાઇલ, બાઇક મળી કુલ રૂ.1.83 લાખના મુદ્દામાલ સાથે, આજી ડેમ ચોકડી, શ્રીરામ પાર્ક-3માં જ્યોતિષ રમેશ નારીગરાના મકાનમાંથી જ્યોતિષ, બે મહિલા સહિત 8 શખ્સને રૂ.11,290ની રોકડ સાથે, વામ્બે આવાસમાં નિલેશ કિશોર પરમારના ક્વાર્ટરમાંથી નિલેશ, બે મહિલા સહિત સાત શખ્સને રોકડા રૂ.11,230 સાથે, ગંજીવાડા નાકા પાસે જાહેરમાં જુગાર રમતા કૌશિક વિનુ ઠાકર સહિત 3 શખ્સને રોકડા રૂ.10,190 સાથે, નવા થોરાળા મેઇન રોડ પરથી જયંતી અરજણ ઝાલા સહિત છ શખ્સને રૂ.10,100ની રોકડ સાથે પોલીસે ઝડપી લઇ કાર્યવાહી કરી છે.