માત્ર રૂ. 50ની ઉઘરાણી મુદ્દે જીગર ઉર્ફે રઘુ નરેશ ટાંક અને ફરીદ હારૂન તરિયાએ કોઠારિયા રોડ, જયરામપાર્ક સોસાયટીમાં રહેતા ધ્રુવ હિતેશભાઇ મકવાણા નામના યુવાનને છરીના આડેધડ 10 ઘા ઝીંકી હત્યાની કોશિશ કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
ખૂની હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. બનાવની જાણ થતા ભક્તિનગર પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી. ઇજાગ્રસ્ત યુવાનના પિતા હિતેશભાઇ લાલજીભાઇ મકવાણા હાજર હોય પોલીસે તેમની પૂછપરછ કરી હતી. પૂછપરછમાં તેમને ત્રણ સંતાન પૈકી એકના એક પુત્ર ધ્રુવ પર રવિવારે રાતે હુમલો થયો હોવાની જાણ કરતા પિતા કારખાને દોડી ગયા હતા. ધ્રુવ લોહીલુહાણ હાલતમાં જોવા મળતા હોસ્પિટલ લઇ આવ્યા હતા. ધ્રુવને બનાવ અંગે પૂછતા તે બાપુનગર બગીચામાં હતો. ત્યારે જીગર ઉર્ફે રઘુ અને ફરીદ ત્યાં આવ્યા હતા.
અગાઉ જીગર પાસેથી રૂ.50 ઉછીના લીધા હોય તેની ઉઘરાણી કરી હતી. અત્યારે પૈસા નહિ હોવાનું કહેતા ઉશ્કેરાય જઇ ગાળો ભાંડી રૂપિયા તો અત્યારે જ આપવા પડશે તેમ કહી માર માર્યો હતો. બાદમાં ફરીદે પોતાને પકડી રાખી જીગરે છરીથી પેટમાં, પડખામાં, વાંસામાં, માથામાં, ખભામાં, ડાબા પગે, ડાબા હાથમાં છરીના ઘા ઝીંકી નાસી ગયાનીવાત કરી હતી. પોલીસે હિતેશભાઇની ફરિયાદ પરથી બંને શખ્સ સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.