શહેરના હનુમાન મઢી વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેલી ગાંધીગ્રામ પોલીસને ગત મોડી રાતે રંગઉપવન સોસાયટી-1માં શાંતિ નામના મકાનની અગાસી પર દારૂની મહેફિલ ચાલતી હોવાની કંટ્રોલરૂમે જાણ કરી હતી. જેથી ઇનચાર્જ પીઆઇ કે.જે.રાણા સહિતનો સ્ટાફ તુરંત રંગઉપવન સોસાયટી દોડી ગયા હતા. અને મકાનમાં દરોડો પાડયો હતો. દરમિયાન મકાનની અગાસી પર ચાર શખ્સ દારૂની મહેફિલ માણતા મળી આવ્યા હતા. ચારેય શખ્સની પૂછપરછ કરતા મકાન માલિક મોનીસ સતીષભાઇ ભોરડા, નિંકુજ મનસુખભાઇ ધોરડા, કાર્તિક રતીભાઇ સતીકુવર અને જિતેન્દ્ર હરકિશન પરમાર હોવાનું જણાવ્યું હતુ. જયારે સ્થળ પરથી અડધી બોટલ વિદેશીદારૂ તેમજ નાસ્તાના પડીકા, દારૂ ભરેલા ગ્લાસ મળી આવ્યા હતા. ચારેય શખ્સ દારૂના નશામાં પણ હતા. મકાનમાલિક મોનીષ, નિકુંજ અને કાર્તિક સોની વેપારી હોવાનું પુછપરછમાં જાણવા મળ્યું છે.