ભારતીય હવામાન વિભાગે મંગળવારે ચાર રાજ્યો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ચાર દિવસ સુધી ભારે વરસાદને લઇને ઓરેન્જ એલર્ટની જાહેરાત કરી છે. જ્યારે છ રાજ્યો ઉત્તરપ્રદેશ, બિહાર, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં ભારે વરસાદને લઇને ચેતવણી જારી કરી છે.હિમાચલ પ્રદેશના શિમલા, સોલન, મંડી સહિત આઠ જિલ્લા માટે ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. તમામ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. બીજી બાજુ 22મી ઓગસ્ટ સુધી દેશભરમાં સામાન્ય કરતાં સાત ટકા ઓછો વરસાદ થયો છે.
સામાન્ય રીતે હજુ સુધી 635.4 મિમી વરસાદ થયો છે. જોકે આ વખતે 587.9 મિમી સુધી વરસાદ થયો છે. દેશમાં રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી બેમાં ખૂબ વધુ વરસાદ, 4માં વધુ વરસાદ થયો છે. જ્યારે 23 રાજ્યોમાં સામાન્ય વરસાદ થયો છે. આ ઉપરાંત સાત રાજ્ય ઓછા વરસાદના કારણે ચિંતાતુર છે.