ચોમાસામાં ઓણસાલ અનરાધાર મહેર થઇ છે અને તમામ ડેમો છલોછલ ભરાઇ ગયા હોવા છતાં દિવાળીના તહેવાર ટાંકણે જ વોર્ડ નં.2 અને 3માં રાજકોટ મહાનગરપાલિકાએ કોઇપણ જાતની જાહેરાત વગર મંગળવારે પાણીકાપ ઝીંકી દેવાતા દેકારો બોલી ગયો છે અને અંદાજે 20થી 22 હજાર લોકો પાણીથી વંચિત રહેતા દિવાળીના તહેવાર ટાંકણે જ મોકાણ સર્જાઇ છે. નર્મદાની પાઇપલાઇનનો એરવાલ્વ ડેમેજ થતા પાણી વિતરણ ખોરવાયાનું સૂત્રોએ જણાવ્યું હતું.
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં દિવાળીના સમયે જ્યારે વધુ પાણી આપવું જોઈએ. 20 મિનિટને બદલે ભાજપના વચન મુજબ 30 મિનિટ પાણી મળવું જોઈએ તેને બદલે કોઈપણ જાતની જાહેરાત વગર અચાનક પાણીકાપ લાદી દેવામાં આવ્યો છે. આજે શહેરના વોર્ડ નંબર 2ના વોર્ડ નંબર 3ના બજરંગવાડી ઝોનના રેલનગર, સ્લમ ક્વાર્ટર, રેફ્યુજી કોલોની સહિતના વિસ્તારોમાં અચાનક પાણી ન મળતા દેકારો બોલી ગયો હતો.
અંદાજે 22 હજારથી વધુ લોકો પાણીકાપને કારણે હેરાન થયા હતા. ચૂંટણી સમયે રાજકોટના શહેરીજનોને દરરોજ 30 મિનિટ પાણી આપવાની વાતો કરનારા શાસકો 20 મિનિટ પૂરતું પાણી આપવામાં સદંતર નિષ્ફળ નિવડ્યા છે. શહેરમાં આડકતરો પાણીકાપ ચાલી રહ્યો હોય તેવું સ્પષ્ટ જણાય છે કારણ કે, નર્મદાનું પાણી ન મળવાને પગલે કોઈપણ ઝોનમાં પાણીનું લેવલ યોગ્ય ન થતા છાશવારે તે ઝોનમાં પાણી અચાનક બંધ કરી દેવામાં આવે છે.