દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા. પીએમ મોદીના રેવડી કલ્ચરવાળા કટાક્ષ પર જવાબ આપતા કેજરીવાલે કહ્યું કે, આમ આદમી આ સરકારમાં છેતરાયો હોવાનું અનુભવી રહ્યો છે, કારણ કે કેન્દ્ર સરકારે ગરીબોના ખાવા પર પણ ટેક્સ લગાવી દીધો છે. જ્યારે મોટા મોટા વેપારીઓના 5 લાખ કરોડ રૂપિયાના દેવા માફ કરી દીધા છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસથી જનતાને મફત મળનારી સુવિધાઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કહેવાય છે કે, તમામ મફત સુવિધાઓ બંધ થવી જોઈએ, શું કેન્દ્ર સરકારની આર્થિક હાલત બહું ખરાબ થઈ ગઈ છે ?
કેજરીવાલે કહ્યું કે, કેન્દ્ર સરકાર જ્યારે અગ્નિપથ યોજના લાવી ત્યારે કહ્યું હતું કે, તેને લાવવાની જરૂર એટલા માટે પડી કેમ કે, સૈનિકોના પેન્શનનો ખર્ચ એટલો વધી ગયો છે કે, કેન્દ્ર સરકાર તેને વેઠી શકતી નથી. દિલ્હી સીએમ બોલ્યા કે, આઝાદી બાદ પહેલી વાર એવું થઈ રહ્યું છે કે કોઈ સરકાર આવું કહી રહી છે.
આગળ કહ્યું કે, કેન્દ્ર સરકારે 8મું પગાર પંચ લાવવાની પણ ના પાડી દીધી. કેજરીવાલે દાવો કર્યો છે કે, કેન્દ્ર સરકાર પાસે મનરેગા માટે પણ પૈસા ન હોવાની વાત કહી છે, આ વર્ષે તેમાં 25 ટકાનો કાપ થયો છે.
સીએમ કેજરીવાલે કર્યો સવાલ
દિલ્હી સીએમે પૂછ્યું કે, કેન્દ્ર સરકારનું કરોડોમાં બજેટ છે, પણ બધા પૈસા ક્યા જઈ રહ્યા છે ? કેજરીવાલે આગળ આરોપ લગાવતા કહ્યું કે, તેમણે (કેન્દ્ર) એ પોતાના સુપર અમીર દોસ્તોના લાખો કરોડના દેવા માફ કરી દીધા, કેમ ? આ દેવા માફ ન કર્યા હોત તો ટેક્સ ન આપવો પડત. સાડા 3 લાખ કરોડની આવક પેટ્રોલ ડીઝલ પર ટેક્સથી થાય છે, આ બધાં રૂપિયા ક્યાં ગયા ?
કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે, સરકારી સ્કૂલો બંધ કરવાની વાતો થઈ રહી છે. ફ્રી સારવાર બંધ થવી જોઈએ એવું કહી રહ્યા છે. પણ આવા સમયે ગરીબ ક્યાંથી પૈસા લાવશે. સરકારી રૂપિયા અમુક લોકો પર ઉડાવી દેવાથી દેશ કેવી રીતે ચાલશે ?
ભાજપે કર્યો વળતો પ્રહાર
કેજરીવાલના દાવા પર ભાજપ તરફથી આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયએ પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે દેવા માફ નથી કર્યા, પણ 2014-15થી 6.5 લાખ કરોડના દેવા વસૂલ કર્યા છે. તેમણે કહ્યું કે, કેન્દ્રએ એવુ નથી કહ્યું કે, અગ્નિવીર સ્કીમ પેન્શન બિલને ઓછુ કરવા માટે લાવવામાં આવી છે. માલવીયે કહ્યું કે, મોદી સરકાર પાસે સેના માટે પૈસા છે, એવું પણ કહ્યું કે, ખુલ્લા ખાવાના સામાન પર કોઈ ટેક્સ સરકારે નથી લગાવ્યો. રાજ્યો તરફથી વસૂલવામાં આવતો વેટ પહેલાથી લાગેલો છે.
અમિત માલવીયએ કહ્યું કે, કેજરીવાલ ખોટુ બોલી રહ્યા છે. સરકારે મનરેગા સ્કીમ અંતર્ગત કોઈ કાપ નથી મુક્યો, પણ રાજ્યો પૈસા ખર્ચ કરવામાં નિષ્ફળ રહ્યા છે. માલવીયે આગળ કહ્યું કે, કેન્દ્ર સરકારે 80 કરોડ લોકોને ફ્રી રાશન આપી રહી છે.