સરકારે ચાલુ રવી સિઝન માટે ફોસ્ફેટિક અને પોટાસિક (P&K) ખાતર પર રૂ.22,303 કરોડની સબસિડીની જાહેરાત કરી છે અને ખેડૂતોને DAP થેલીદીઠ રૂ.1,350ની કિંમતે મળશે તેવું સરકારે જણાવ્યું હતું. પીએમ મોદીની અધ્યક્ષતા હેઠળ કેબિનેટે રવી સીઝન 2023-24 (1 ઓક્ટોબર, 2023થી 31 માર્ચ, 2024) માટે ફોસ્ફેટિક અને પોટાસિક (P&K) ખાતર પર ન્યૂટ્રીઅન્ટ આધારિત સબસિડી (NBS) નક્કી કરવા માટે ફર્ટિલાઇઝર વિભાગની દરખાસ્તને મંજૂર કરી છે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે મોદી સરકાર ખેડૂતોને કિફાયતી કિંમતે ખાતરની પર્યાપ્ત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. અમે રવી સીઝન 2023-24 માટે પી એન્ડ કે ફર્ટિલાઇઝર પર સબસિડી તરીકે રૂ.22,303 કરોડના ખર્ચનો અંદાજ રાખીએ છીએ. અગાઉ મે દરમિયાન કેબિનેટે ખરીફ સિઝન 2023-24 માટે પી એન્ડ કે ફર્ટિલાઇઝર માટે રૂ.38,000 કરોડની સબસિડીની મંજૂરી આપી હતી.
ખેડૂતોને જૂના ભાવે DAP (એમોનિયમ ફોસ્ફેટ) ખાતર એટલે કે 50 કિલોગ્રામની થેલી રૂ.1,350ની કિંમતે મળશે. એ જ રીતે, એનપીકે ખાતરની એક થેલી પણ જૂના ભાવે રૂ.1,470થી મળશે. જ્યારે સિંગલ સુપર ફોસ્ફેટ (SSP) થેલીદીઠ રૂ.500ની કિંમતે મળશે. જ્યારે પોટાશની કિંમત પણ થેલદીઠ અગાઉના રૂ.1,700થી ઘટીને રૂ.1,655 થઇ ચૂકી છે.