વીંછિયા -અમદાવાદ હાઈવે પર આવેલા થોરીયાળી ગામ નજીક બોલેરો પીકઅપ વાન અને કાર અચાનક સામસામે ધડાકાભેર અથડાતા બન્ને વાહનોના આગળના ભાગનો કુરચો બોલી ગયો હતો, જો કે આ અકસ્માત સામાન્ય વરસાદના કારણે રોડ પર પાણી ભરાતા થયો હોવાનું જાણવા મળ્યું હતું.
આ અકસ્માતના પગલે સેવાભાવી લોકો એકઠા થઈ ગયા હતા અને બન્ને વાહનચાલકોને સામાન્ય ઈજા પહોંચી હોવાથી સારવાર અર્થે ખસેડ્યા હતા. જો કે કોઇ મોટી જાનહાનિ ન થતાં લોકોના શ્વાસ હેઠાં બેઠાં હતા. ઉલ્લેખનીય છે કે, વીંછિયાથી થોરીયાળી ગામ સુધીના રોડમાં ઠેરઠેર ગાબડાંઓ પડી ગયા હોવાથી સામાન્ય વરસાદમાં રોડ પર પાણી ભરાઈ જતા હોવાથી અવારનવાર નાનામોટા અકસ્માતોના બનાવો બની રહ્યા છે. છતાં જે તે જવાબદાર તંત્ર દ્વારા રોડને રીપેર કરવામાં આવતો ન હોવાથી અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. જેથી જવાબદાર તંત્ર દ્વારા વીંછિયાથી થોરીયાળી ગામ સુધીના રોડમાં પડેલા ગાબડાઓને બુરવાની કામગીરી કરવામાં આવે તેવું વાહનચાલકો ઈચ્છી રહ્યા છે.