સરકારી બેન્કોમાં લાંબા સમય પછી કર્મચારીઓની ભરતી શરૂ થઈ છે.2012-13માં સરકારી બેન્કોમાં 8.86 લાખ કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. 2020-21માં તેમની સંખ્યામાં 1.06 લાખ કે 11.96% ઘટીને 7.80 લાખ રહી ગઈ હતી. તેના પછી કોરોના મહામારીને કારણે ભરતી પ્રક્રિયા પ્રભાવિત થઇ હતી.
નાણામંત્રાલયે ચાલુ મહિનાની શરૂઆતમાં સરકારી બેન્કોમાં ખાલી પડેલી જગ્યાઓની સમીક્ષા કરી તેને ભરવાની સલાહ આપી હતી. તેના પછી મંગળવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ આ બેન્કોને અનુસૂચિત જાતિ(એસસી) વર્ગની બેકલૉગ વેકેન્સી સમયસર ભરવા નિર્દેશ આપ્યો.
નાણામંત્રાલયના નિર્દેશો પર અમલ કરતા સરકારી બેન્કોએ ભરતીઓ માટે જાહેરાત આપવાની શરૂઆત કરી દીધી છે. એસબીઆઈએ 1673 પ્રોબેશનરી ઓફિસર્સની ભરતી માટે જાહેરાત આપી છે. તેમાં 73 પોસ્ટ બેકલૉગ કેટેગરીની છે.
આ ઉપરાંત બેન્ક ઓફ ઈન્ડિયાએ પણ સ્પેશ્યાલિસ્ટ ઓફિસર્સનાં 110 પદો પર ભરતી માટે જાહેરાત આપી છે. આ ઉપરાંત સ્મૉલ ઈન્ડસ્ટ્રિઝ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઈન્ડિયા(સિડબી) જેવી નાણાકીય સંસ્થાઓએ પણ પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ અને પ્રોગ્રામ લીડનાં પદો માટે અરજી આમંત્રિત કરી છે.