રાજકોટ શહેરના મંગળા રોડ પર 29 ઓક્ટોબરના રોજ પેંડા અને મુર્ઘા ગેંગ વચ્ચે થયેલ સામસામે અંધાધૂંધ ફાયરિંગ કેસમાં પોલીસે 13 દિવસ બાદ સમીર ઉર્ફે મુર્ઘા સહીત 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જયારે પેંડા ગેંગને હથિયાર સપ્લાય કરનાર સંજય ઉર્ફે ચિન્ટુ ઝાલાને હથિયાર સપ્લાય કરનાર ઋતુરાજ જાડેજાની ધરપકડ કરી તેની પાસેથી વધુ એક ગેરકાયદે હથિયાર કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી SOG પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં થયેલ ફાયરિંગ કેસમાં પોલીસે અત્યાર સુધી કુલ 20 આરોપીઓની ધરપકડ કરી છે જેમાં મૂર્ઘા ગેંગના 7 અને પેંડા ગેંગના 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
રાજકોટ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, ગત 29 ઓક્ટોબરના રોજ મંગળા રોડ પર પ્રગતિ હોસ્પિત પાસે ફાયરિંગની ઘટના બની હતી જેમાં આજે ફાયરિંગ કરનાર મુખ્ય આરોપ સમીર ઉર્ફે મૂર્ઘો અને તેના બે સાગરીતો મળી વધુ ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ફાયરિંગ કરી આરોપીઓ નાસી છૂટ્યા હતા જેમને પકડવા માટે પોલીસની અલગ અલગ ટિમો કામે લાગી હતી જેમાં પેંડા ગેંગના 13 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને મૂર્ઘા ગેંગના 7 આરોપી મળી કુલ 20 આરોપીઓની ફાયરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.