પાકિસ્તાન હસ્તકના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં અત્યારે ઘમસાણ ચરમસીમાએ છે. કટ્ટરપંથી સુન્ની સંગઠનો અને પાકિસ્તાની સેનાના દમન વિરુદ્ધ લઘુમતી શિયાઓએ બળવો કર્યો છે. પહેલી વાર આ વિસ્તારનાં શિયા સંગઠનોએ સેના વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. ભારતથી લગભગ 90 કિલોમીટર દૂર સ્કાર્દુમાં શિયા સમાજના લોકો ભારત તરફ જનારા કારગિલ હાઈ-વે ખોલવાની માગણી પર મક્કમ છે.
તેઓ હવે પાકિસ્તાની સેનાના શાસન હેઠળના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં રહેવાને બદલે ભારતમાં જવા ઇચ્છે છે. અહીં લગભગ 20 લાખની વસ્તીમાંથી 8 લાખ શિયાઓને વિદ્રોહ કરતાં જોઈને સેનાના 20 હજારથી વધુ જવાનો તહેનાત કરાયા છે. કલમ 144 લાગુ કરવા છતાં સ્કાર્દુ, હુંજા, દિયામીર અને ચિલાસ શિયા સંગઠનોનું પ્રદર્શન ચાલુ છે. મોબાઇલ ઇન્ટરનેટ ઉપર પણ પ્રતિબંધ મૂકી દીધો છે.
બળવો રોકવા માટે આર્મીના વડા મુનીરે ઉલેમાને મોકલ્યા
ખુલ્લેઆમ બળવાને જોઈને પાકિસ્તાની આર્મીના વડા આસિમ મુનીરે સોમવારે ઇસ્લામાબાદથી ચાર મુસ્લિમ ઉલેમાને ગિલગિટ-બાલ્ટિસ્તાન મોકલ્યા છે. સેનાની વધારાની બટાલિયન પણ બળવો રોકવામાં નિષ્ફળ જતાં મુનીરે આ પગલું લેવું પડ્યું હતું. સ્કાર્દુના એક શિયા રહીશનું કહેવું છે કે આર્મીએ બહુ મોડું કર્યું છે, હવે અમે પીછેહઠ કરવાના નથી.
પાકિસ્તાનના ત્રીજા રાજ્યમાં બળવાનું જોર વધ્યું