અમદાવાદ સહિત રાજ્યના 10 શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર થયું હતું. આજરોજ ભાવનગરના મહુવા શહેર 41.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. આ ઉપરાંત પાંચ શહેરનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું હતું. જેમાં કેશોદ અને રાજકોટમાં 41.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જ્યારે સુરેન્દ્રનગર અને અમરેલીમાં ક્રમશઃ 41.1 અને 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આગામી 24 કલાક દરમિયાન રાજ્યના અમદાવાદ અને તેની આસપાસના જિલ્લાનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાઈ શકે છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર રહ્યું. આજે અમદાવાદ શહેરમાં આઈપીએલની ક્રિકેટ મેચ યોજાઈ હતી. ભરબપોરે બળબળતા તડકામાં પણ મોટી સંખ્યામાં દર્શકો મેચ જોવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચ્યા હતા. તે સમય દરમિયાન અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 40.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. શહેરના તાપમાનમાં વધારો થઇને સાંજના 5 વાગ્યા સુધીમાં મહત્તમ તાપમાન નોંધાયું હતું. ત્યારબાદ ધીમેધીમે તાપમાનમાં ઘટાડો થતાં સાંજે મેચ પૂર્ણ થતાં સુધીમાં શહેરમાં તાપમાનનો પારો 38 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો.
હવામાન વિભાગે એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ આખા મહિનાના વાતાવરણની લોન્ગ રેન્જ ફોરકાસ્ટ કરી હતી. આ ફોરકાસ્ટમાં એપ્રિલ મહિનાના અંતે તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર ગયું હતું. જોકે, 3 દિવસ અગાઉ આવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પવનની દિશા પલટાવવાના કારણે પ્રી-મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદી છાંટા વરસ્યા હતા.