રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓ વિશે કરેલી ટિપ્પણી બાદ તેમની ટિકિટ રદ કરવાના મુદ્દે રવિવારે રતનપરમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન મળ્યું હતું તેમાં ગુજરાતભરમાંથી અંદાજે 4 લાખ જેટલા ક્ષત્રિયો ઊમટી પડ્યા હતા. મેદાન ટૂંકું પડ્યું હતું. ત્રણ લાખ લોકો જ પ્રવેશી શક્યા હતા. જ્યારે એક લાખથી વધુ લોકો ટ્રાફિકજામમાં ફસાઈ ગયા હતા. જે ક્ષત્રિયો સંમેલન સ્થળે પહોંચી ન શક્યા તેમની આયોજકોએ માફી પણ માગી હતી. ગુજરાતની 92 સંસ્થાઓની કોર કમિટીએ સંમેલનનું આયોજન કર્યું હતું. ગુજરાતભરમાંથી કેટલાક રાજવીઓ ઉપરાંત ભાયાતો અને ગામધણી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત તમામ સંસ્થાઓના આગેવાનોએ પણ સભા ગજવી હતી અને સૌનો એક જ મત રહ્યો હતો કે, જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો હવે 19 એપ્રિલ પછી પાર્ટ-2 શરૂ કરવામાં આવશે. જેમાં માત્ર રૂપાલા જ નહીં પરંતુ ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપના ઉમેદવારનો વિરોધ કરવામાં આવશે અને તેમના વિરુદ્ધ મતદાન પણ કરવામાં આવશે. આ માટે સભામાં ઉપસ્થિત ક્ષત્રિયોને સોગંદ પણ લેવડાવવામાં આવ્યા હતા કે, 19 એપ્રિલ સુધીમાં એટલે કે, ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે જો પરસોત્તમ રૂપાલા ફોર્મ ભર્યા બાદ પરત ન ખેંચે તો પાર્ટ-2ના ભાગરૂપે ગુજરાત ઉપરાંત દેશના જે રાજ્યમાં ક્ષત્રિયોની સંખ્યા વધુ છે ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિરોધ કરવામાં આવશે આ તકે કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાએ કહ્યું હતું કે, માત્ર ગુજરાત જ નહીં પરંતુ દિલ્હીને પણ અમે હચમચાવી દેશું અને ભાજપ અત્યારે 400 પારની વાત કરે છે તેને અમે માત્ર 200ની અંદર જ સીમિત રહેવા દઈશું. આ માત્ર વાતો નહીં પરંતુ અમારી ચેલેન્જ છે. જ્યારે કોર કમિટીના સભ્ય રમજુભા જાડેજા અને ડો. જયેન્દ્રસિંહે કહ્યું હતું કે, પાર્ટ-1માં આપણે ઘણા આવેદનો આપ્યા, રૂપાલા હાય...હાય...ના નારા લગાવ્યા પરંતુ જો પાર્ટ-2 શરૂ કરવાની ફરજ પડશે તો આપણે એક-એક બૂથ સુધીનું માઈક્રો પ્લાનિંગ કરવાનું છે અને આપણી તાકાત શું છે તે સરકારને બતાવી દેવાની છે. આ સંમેલનમાં નાડોદા સમાજ, કારડિયા સમાજ, કાઠી ક્ષત્રિય સમાજ, મોલેસલામ ગરાસિયા સમાજ, દલિત સમાજ, બ્રહ્મસમાજ સહિતના અનેક જ્ઞાતિના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ક્ષત્રિય સમાજની સાથે રહેવાનો હુંકાર કર્યો હતો