આ વાત 2014ની છે. ભારતના ઈ-કોમર્સ ઇન્ડસ્ટ્રી ઝડપથી વધી રહી હતી. લોકો ઓફલાઇનથી ઓનલાઇન શોપિંગની તરફ વળી રહ્યા હતા. ત્યારે સાત વર્ષ જૂના સ્ટાર્ટઅપ ફ્લિપકાર્ટના ફાઉન્ડર સચિન બંસલ અને બિની બંસલે એક મોટો દાવ લગાવ્યો. તેમનું લક્ષ્ય ભારતના લોકોના શોપિંગ એક્સપિરિયન્સને સંપૂર્ણપણે બદલવાનો હતો. 6 ઓક્ટોબર 2014ના રોજ કંઈક એવું બનવાનું હતું, જે ભારતના લોકો માટે એકદમ નવું હતું.
એપાર્ટમેન્ટ નંબર 610 હતો, તેથી તારીખ 6/10 પસંદ કરી
સચિન અને બિનીએ 6/10/2014 તારીખ પસંદ કરી, કારણ કે જે તેમણે એપાર્ટમેન્ટથી ફ્લિપકાર્ટની શરૂઆત કરી હતી એનો નંબર પણ 610 હતો. આ ઇવેન્ટને 'બિગ બિલિયન ડેઝ' નામ આપવામાં આવ્યું હતું. 2-3 મહિના પહેલાંથ આ દિવસની તૈયારીઓ ચાલી રહી હતી. ટેક ટીમ પર ઇવેન્ટને સફળ બનાવવાની બધી જવાબદારી હતી, કારણ કે કંપનીને આ દિવસે ટ્રાફિક 25x સુધી વધશે એવી અપેક્ષા હતી.
100 મિલિયન ડોલરનો ટાર્ગેટ
વધુ ટ્રાફિકને કારણે વેબસાઇટ ક્રેશ ન થાય અને યુઝર્સને બેસ્ટ એક્સપિરિયન્સ મળે એ માટે 5000થી વધુ સર્વર ડિપ્લોય કરવામાં આવ્યાં હતાં. અખબારો અને ટીવી પર મોટી જાહેરાતો આપવામાં આવી હતી. કંપનીએ આ દિવસ માટે 24 કલાકમાં 100 મિલિયન ડોલર GMVનો ટાર્ગેટ પણ નક્કી કર્યું હતું. GMV એટલે ગ્રોસ મર્ચેન્ડાઇઝ વેલ્યુ. ગ્રોસ મર્ચેન્ડાઇઝ વેલ્યુ એ ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા ચોક્કસ સમયગાળામાં વેચાયેલા માલનું કુલ મૂલ્ય છે.