રાજકોટ તાલુકાના આણંદપર ગામે રૂ.130 કરોડની સરકારી જમીનમાં ખડકાયેલા ઇંટોના ભઠ્ઠાનું દબાણ હટાવવા માટે જિલ્લા કલેક્ટર તંત્રને ડિમોલિશનની પ્રક્રિયા કરવા સામે સિવિલ કોર્ટે મનાઇ હુકમ ફરમાવી દીધો છે.
આણંદપરના સરવે નં.07ની 43 એકર જમીનમાં 211 જેટલા ઇંટોના ભઠ્ઠા વર્ષોથી ધમધમે છે ભઠ્ઠા હટાવવા નોટિસ ફટકારી હતી અને દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી, પરંતુ ઇંટોના ભઠ્ઠાના એસોસિએશનની રજૂઆત અને રાજકીય દબાણના પગલે અચાનક દબાણ હટાવ ઓપરેશન છેલ્લી ઘડીએ અટકાવી દઇ મુલતવી રાખવામાં આવ્યું હતું.
રાજકોટ જિલ્લા વહીવટી તંત્રનું ઓપરેશન અટકી ગયા બાદ ઇંટોના ભઠ્ઠાના માલિકોએ સિવિલ કોર્ટમાં ‘આ જમીન અમારી છે’ તેવો દાવો કરી કેસનો નિકાલ ન થાય ત્યાં સુધી સ્ટે આપવાની માગણી કરતા સિવિલ કોર્ટ દ્વારા તેમની માગણી મંજૂર રાખવામાં આવી છે અને દબાણ હટાવવા સામે સ્ટેનો હુકમ કરાયો છે. રાજકોટ તાલુકા મામલતદાર કમલેશ કરમટાએ જણાવ્યું હતું કે, સિવિલ કોર્ટે નેકસ્ટ મુદત સુધીનો સ્ટે આપ્યો છે. પરંતુ આ કેસ ચાલુ રહે ત્યાં સુધી પ્રોસિડિંગ્સ ચાલુ રહે તેથી ત્યાં સુધીનો મનાઇ હુકમ ગણી શકાય.