ગુરુવારે રાત્રે યુક્રેનના ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટ પર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ આ હુમલા માટે રશિયાને જવાબદાર ઠેરવ્યું છે. ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે ગુરુવારે મોડીરાત્રે વિસ્ફોટકોથી સજ્જ એક રશિયન ડ્રોને ચેર્નોબિલ પ્લાન્ટના કોંક્રીટ સેફ્ટી કવચ પર હુમલો કર્યો હતો. હુમલામાં આ બખ્તરને નુકસાન થયું છે.
ઝેલેન્સકીના મતે, આ હુમલો નાશ પામેલા પાવર રિએક્ટર નંબર 4 પર કરવામાં આવ્યો હતો. હુમલાને કારણે, ઇમારતમાં આગ લાગી હતી, જે બુઝાવી દેવામાં આવી છે. આ કોંક્રિટ કવચ 1986માં ચેર્નોબિલ વિસ્ફોટ પછી રેડિયેશનને રોકવા માટે બનાવવામાં આવ્યું હતું. આ સિવાય, અન્ય કોઈ નુકસાન કે રેડિયેશનના સ્તરમાં વધારો થવાના કોઈ સમાચાર નથી.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આમાં ચેર્નોબિલ પ્લાન્ટની ઇમારતમાંથી તેજસ્વી પ્રકાશ નીકળતો દેખાય છે. આ પછી આખું આકાશ ધુમાડાથી ભરાઈ જાય છે. ઇન્ટરનેશનલ એટોમિક એનર્જીએ જણાવ્યું હતું કે યુક્રેનમાં સ્થાનિક સમય મુજબ સવારે 2 વાગ્યે હુમલો થયો હતો.