ભોપાલમાં ભાડાં માગવા ઉપર NCC કેડેટે સિટી બસ કંડક્ટરને ખરાબ રીતે માર માર્યો હતો. આ આખી ઘટના બસમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. કંડક્ટરને મારના કારણે ઘણી ઈજા પહોંચી હતી. આ ઘટના મંગળવારે બની હતી, પરંતુ આનો વીડિયો બુધવારે સામે આવ્યો હતો. આ ઘટનાને લઈને ફરિયાદ દાખલ કરવા માટે નગર નિગમના અધિકારીઓ પીડિત કંડક્ટર પ્રદીપ માલવીયને સાથે લઈને જહાંગીરબાદ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.
પીડિત બોલ્યા- ઉતરતી વખતે અચાનક હુમલો કર્યો
કંડક્ટર પ્રદીપ માલવીયે જણાવ્યુ હતુ કે, 'મારી બસ અવધપુરીથી ચિરાયુ હોસ્પિટલની વચ્ચે દોડતી હોય છે. NCC કેડેટ બોર્ડ ઓફિસેથી ચડ્યો હતો અને કંટ્રોલ રૂમ સુધી જવા માગતો હતો. મેં તેની પાસે ભાડું માગ્યુ તો, તો આનાકાની કરવા લાગ્યો હતો. પહેલા તે આગળ બેઠો હતો, પણ ભાડાં માગ્યા પછી તે પાછળ જઈને બેસી ગયો હતો. જેલ રોડથી નીકળ્યા પછી મેં ફરી એકવાર ભાડું માગ્યુ હતુ, તો તેણે 10 રૂપિયા આપ્યા હતા, જ્યારે કુલ ભાડું 15 રૂપિયા થાય છે. બાકીના 5 રૂપિયા માગ્યા તો તે ત્યારે કંઈ બોલ્યો નહિ, અને પછી બાકી રહેલા 5 રૂપિયા પણ આપી દીધા હતા. બસ જ્યારે કંટ્રોલ રૂમ પહોંચી હતી, ત્યારે અચાનક તેણે હુમલો કર્યો હતો. તેણે મને લાત અને મુક્કા માર્યા હતા. જેના કારણે મને માથામાં અને હાથમાં ઈજા પહોંચી હતી. આ ઘટના પછી જહાંગીર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે.'
બસમાં ડ્રાઈવર અને કંડક્ટર ઉપર હુમલાઓ થવાની આ પહેલી ઘટના નથી. અગાઉ પણ આવા મામલા સામે આવી ચૂક્યા છે. 19 જુલાઈએ ભોપાલના ગાંધીનગરથી મંડીદીપ જઈ રહેલી બસ ઉપર બોગદા પુલની પાસે પથ્થર મારવાનો પણ મામલો સામે આલ્યો હતો. જેમાં પણ કેસ દાખલ કર્યો હતો.